(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગ્રામાં મોગલોની વિશેષ સિદ્ધિઓ દર્શાવવા માટે બનાવી રહેલ ‘મુગલ મ્યુઝિયમ‘ નું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના નામ પર મ્યુઝીયમનું નામ રાખવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે યોગીએ સોમવારે અહીંના તેમના સરકારી નિવાસમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આગ્રા વિભાગના વિકાસ કામોની સમીક્ષા દરમિયાન આ આદેશો આપ્યા હતા.
યોગીએ દાવો કર્યો હતો કે તેમની સરકાર હંમેશાં રાષ્ટ્રવાદી વિચારોના પ્રવાહનું પોષણ કરે છે અને એવી કોઈ પણ વસ્તુ વિષયથી દુર રહેવામાં આવશે જેમાંથી ગુલામીની વાસ આવતી હોય. તેમણે ભારપૂર્વક કહ્યું, “મોગલો આપણા નાયક કેવી રીતે હોઈ શકે.” છત્રપતિ શિવાજીનું નામ રાષ્ટ્રવાદ અને આત્મગૌરવની ભાવના લાવશે. તાજમહેલના પૂર્વીય દરવાજા પાસે બનાવવામાં આવી રહેલ મુગલ મ્યુઝિયમમાં મોગલ કાળ દરમિયાન પ્રાપ્ત થયેલ રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓને કલાત્મક કૃતિઓ દ્વારા દર્શાવવામાં આવશે. આશરે ૫૨ ચોરસ મીટરના ક્ષેત્રમાં બનાવવામાં આવતા આ સંગ્રહાલયના નિર્માણ પાછળ ૨૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. વર્ષ ૨૦૧૭ માં શરૂ થયેલ, આ સંગ્રહાલયનું નિર્માણ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થવાનું હતું.
આગરા ડિવિઝનમાં ખારા પાણીની સમસ્યા સંદર્ભમાં યોગીએ કહ્યું કે પીવાના પાણીની યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અટલ ગ્રાઉન્ડ વોટર યોજના અંતર્ગત કામગીરી થવી જોઈએ. જળ-જીવન મિશન યોજનાઓ આગળ ધપાવવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે આગ્રા સ્માર્ટ સિટી અને અમૃત યોજનાના કામો વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ.