(એજન્સી) તા.૯
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કૈરાનામાં ૧૧૪ જેટલા વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે લોકોને સંબોધતા તેમણે સ્થળાંતરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે એક જાહેર સભામાં કહ્યું હતું કે મુઝફ્ફરનગરના રમખાણ હોય અથવા કૈરાનાથી લોકોનું સ્થળાંતર હોય અમારા માટે આ એક રાજકીય મુદ્દો નથી. ઉલટાનું આ તો દેશ અને પ્રદેશના ગૌરવનો મુદ્દો છે. સીએમ યોગીના આ નિવેદન પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે. એક વીડિયો જારી કરીને ઓવૈસીએ કહ્યું હતું કે આ ખૂબ જ અફસોસજનક વાત છે કે ભારતના ભાગલા પડ્યા પછી જો પ૦,૦૦૦ લોકો પોતાના ઘરથી બેઘર થયા હતા તો તે મુઝફ્ફરનગરની ઘટના પછી થયા હતા. પરંતુ મુખ્યમંત્રી તેને આન બાન શાન(ગૌરવ) સાથે જોડી રહ્યા છે. ઓવૈસીએ કહ્યું હતું કે આ રમખાણમાં ઘણા લોકોની હત્યા થઈ હતી. હજારોની સંખ્યામાં લોકોનાં ઘરોને સળગાવી દેવાયા હતા. તેમના ન્યાયની વાત નથી કરતા ઉલટાનું સીએમ તો આને ગૌરવ સાથે જોડી રહ્યા છે. જે પ૦૦૦૦ લોકો બેઘર થઈ ગયા હતા. તેઓ હજુ પણ પોતાના ઘરે જઈ શકતા નથી. આજે પણ તેઓને ન્યાય મળ્યો નથી. ઓવૈસીએ કહ્યું કે મુખ્યમંત્રી ઉગ્રવાદી નિવેદનો આપે છે કે મુઝફ્ફરનગરના રમખાણો ગર્વની વાત છે. આ ગૌરવની વાત નથી ઉલટાનું આના પર અફસોસ કરવો જોઈએ. સીએમ યોગીએ યુપીના શામલી જિલ્લામાં કહ્યું હતું કે મુઝફ્ફરનગરના રમખાણો હોય કે પછી કૈરાનાની હિજરત આ અમારા માટે રાજકીય મુદ્દો નથી પરંતુ પ્રદેશ અને દેશના ગૌરવ અને ગૌરવ પર આવનારી આંચનો મુદ્દો છે. અમે જ્યારે સત્તામાં નહોતા ત્યારે પણ કહેતા હતા કે આવી કાયરતા અમે સ્વીકારીશું નહીં. નોંધનીય છે કે સીએમ યોગીનો પશ્ચિમી યુપીનો પ્રવાસ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ માનવામાં આવી રહ્યો છે. ખરેખર કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર પશ્ચિમી યુપીમાં વધુ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રત્યે જાટ ખેડૂતોની નારાજગી પણ જોવા મળી રહી છે. આને જોતા સીએમ યોગીની આ યાત્રા સંતુલન જાળવી રાખવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે.
Recent Comments