ભૂજ, તા.ર૦
ભારત સરકાર ક્યારેક ચીનનો જોરદાર વિરોધ કરી ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર સુધી આહ્‌વાન કરે છે. જ્યારે પાછલા દરવાજે આપણી આ સરકાર ચાઈનીઝ કંપનીઓને ભારતમાં લાલજાજમ પાથરતી દેખાય છે. કચ્છમાં મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામની સીમમાં ગુજરાત સરકારે વાયબ્રન્ટ ર૦૧૭ સમિટમાં ચીન કંપનીનો હિસ્સો ધરાવતા સનરાઈઝ ગ્રુપને ર૧૩ હેકટર જમીન ફાળવી છે. હવે આ કંપની પ્રારંભિક છ હજાર કરોડના રોકાણ સાથે મહાકાય સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે.
આગામી તા.ર૩-૧ના રોજ ગાંધીનગરમાં ધારાસભ્યોની શપથવિધિ બાદ તુરંત જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હવાઈ માર્ગે મુન્દ્રા આવી આ ચીન કંપનીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.
ચીનના સનરાઈઝ ગ્રુપ દ્વારા અમદાવાદ સ્થિત ક્રોમેની સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. ક્રોમેની સ્ટીલ પ્રા.લિ.કંપની સનરાઈઝ ગ્રુપની જ એક પેટાકંપની છે. સનરાઈઝ ગ્રુપની ક્રોમેની સ્ટીલ કંપનીના કુલ નવ ડાયરેકટરોમાં ૪ ડાયરેકટરો ચાઈનીઝ છે.