(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.રર
કચ્છમાં મુન્દ્રા ખાતે આવેલ કલેરોક્સ અંગ્રેજી પબ્લિક સ્કૂલમાં સગીરવયની છાત્રા સાથે શાળાના હિસાબનીશ યુવાને શારીરિક છેડછાડ કરતા ચકચાર મચી ગઈ છે. સગીરવયની છાત્રાના વાલીએ આ અંગે મુન્દ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તા.રર/૯ની સવારે શાળાના હિસાબનીશ (એકાઉન્ટન્ટ)ની ધરપકડ કરી હતી. બીજી તરફ શાળા સંચાલકોએ આરોપીને નોકરીથી છૂટો કરી દીધો છે.બનાવની વિગત એવી છે કે કલેરોક્સ અંગ્રેજી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરવયની છાત્રા સાથે શાળાના એકાઉન્ટન્ટ ફૈઝલ જુણસ સમેજા નામના શખ્સે શારીરિક અડપલા કર્યા હતા. છાત્રાએ વાલીને જાણ કરતા પોલીસ ફરિયાદ થઈ હતી. તા.ર૧/૯ની આ ઘટના બનતા પોલીસે તા.રર/૯ના રોજ આરોપી શખ્સની ધરપકડ કરી હતી.