(એજન્સી)
કોલકાત્તા, તા.૨૪
૭પ લાખની વસ્તી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના માટે દાયકાઓ જૂની માગણીના સમર્થનમાં મોટા ભાગે મુસ્લિમો સહિત હજારો વિદ્યાર્થીઓએ પ.બંગાળ વિધાનસભાની બહાર દેખાવો કર્યા હતા.
તેઓ સ્ટુડન્ટ્‌સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (એસઆઈઓઆઈ)ના નેજા હેઠળ મુર્શિદાબાદ અને પડોશના વિસ્તારોમાંથી એકત્ર થયા હતા. દેખાવના અંતે રાજ્યના શિક્ષણપ્રધાન વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા અને જિલ્લામાં યુનિવર્સિટીઓની જરૂરિયાત હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો કે, જ્યાં કાશ્મીર પછી સૌથી મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. તેમણે મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે આ મુદ્દો હાથ પર લેવા વચન આપ્યું હતું.
મુર્શિદાબાદમાં ૪૦ કોલેજો છે પરંતુ યુનિવર્સિટી નથી. સૌથી નજીક આવેલી યુનિવર્સિટી પણ ૨૦૦ કિ.મી. દૂર છે. એસઆઈઓના પ.બંગાળના પ્રમુખ ઉસ્માન ગનીએ કેરેવાન ડેઈલી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમો છેલ્લા ૩-૪ વર્ષથી યુનિવર્સિટી માટે અભિયાન ચલાવી રહ્યા છીએ આ વખતે અમે અમારી માગણીના સંદર્ભમાં કોલકાત્તામાં રાજ્યવિધાનસભા ભણી કૂચ કરી જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુર્શિદાબાદમાં ૭પ લાખ કરતા વધુ વસ્તી છે પરંતુ કોઈ પણ યુનિવર્સિટી નથી જ્યારે ૨૦થી ૨પ લાખની વસ્તી ધરાવતા કેટલાક જિલ્લાઓમાં ૨થી ૩ યુનિવર્સિટીઓ આવેલી છે.
મુર્શિદાબાદ જિલ્લો પ.બંગાળમાં રાજ્ય અને દેશના સૌથી પછાત જિલ્લાઓ પૈકી એક છે. કોંગ્રેસ અથવા સીપીઆઈ-એમ લોકસભાની આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. પીઢ કોંગ્રેસી નેતા અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ પોતાની કારકિર્દી અત્રેથી શરૂ કરી હતી.