અમદાવાદ, તા.૯
સામાન્ય રીતે અનેક સોસાયટી અને ફલેટમાં સભ્યોનાં જ વાહનોને અંદર પાર્કિંગ કરવાની છૂૂટ અપાય છે. જ્યારે વિઝિટર્સને તેમનાં વાહનો બહાર રોડ પર પાર્ક કરવાની સૂચના આપતાં બોર્ડ જોવા મળે છે. જો કે, તેના કારણે વિઝિટર્સ વાહન રોડ પર આડેધડ રીતે પાર્ક કરતા હોઇ ટ્રાફિક જામની સમસ્યા થાય છે. પરંતુ હવે મ્યુનિ. સત્તાવાળાઓએ રેસિડેન્સીયલ બિલ્ડિંગમાં વિઝિટર્સ માટે ‘નો પાર્કિંગ’નાં બોર્ડ સામે લાલ આંખ કરી છે. આવાં બોર્ડને હટાવીને વિઝિટર્સ પણ વાહન સોસાયટી-ફલેટ કે એપાર્ટમેન્ટનાં પાર્કિંગ એરિયામાં પાર્ક કરવાની સુવિધા તંત્ર દ્વારા આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. શહેરના પશ્ચિમ ઝોનના ટીડીઓ રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર, સોસાયટી અને ફલેટ-એપાર્ટમેન્ટને આ અંગેની જાણ કરવાનો અને તેનું પાલન નહી કરનારી સોસાયટીઓને નોટિસ ફટકારવાનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. આગામી દિવસોમાં તેની અમલવારી શરૂ કરાશે. મેગાસિટી અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકનો પ્રશ્ન વિકરાળ બનતો જાય છે. તંત્ર દ્વારા ટ્રાફિક સરળ અવરજવર માટે નવા નવા બ્રિજ પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યા છે. એક અંદાજ મુજબ અમદાવાદમાં દરરોજ ૮૦૦ નવાં વાહનનું રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. બીજી તરફ દબાણથી સાંકડા થયેલા ટીપી રસ્તાના કારણે પણ પિક અવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામથી વાહનચાલકો તોબા પોકારી ગયા છે. મ્યુનિ.કમિશનર મુકેશકુમાર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટની બાબતને ગંભીરતાથી લઇ ‘સ્માર્ટ પાર્કિંગ’ પ્રોજેકટ હેઠળ નાગરિકોને મોબાઇલ એપથી પાર્કિંગની જાણકારી આપવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. પાંચ પ્લોટમાં વાહનની અવરજવર નોંધવા સેન્સર મુકાયાં હોઇ ઝોન દીઠ રપ કોમર્શિયલ બિલ્ડિંગ પ્રમાણે કુલ ૧પ૦ બિલ્ડિંગમાં સેન્સર લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે. કોમર્શિયલ બિલ્ડિંગથી પાર્કિંગની માહિતી એડ્‌વાઇઝ તંત્રની વેબસાઇટ પર મૂકવાની પણ સંબંધિત વિભાગને સૂચના અપાઇ છે. આની સાથે સાથે નવાં રપ પે એન્ડ પાર્ક તૈયાર કરાઇ રહ્યાં છે. હવે તો નવા બગીચામાં પાર્કિંગનો અભિગમ અપનાવાઇ રહ્યો છે. અગાઉ મુખ્ય રસ્તા પરની કોમર્શિયલ બિલ્ડિંગના પાર્કિંગની જગ્યા પર ઊભા કરાયેલાં ગેરકાયદે બાંધકામને તોડવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ હતી. કોમર્શિયલ બિલ્ડિંગની બહાર આડેધડ રીતે રોડ પર પાર્ક કરાતાં વાહનોની સામે પણ સત્તાવાળાઓએ લાલ આંખ કરી હતી. હવે કમિશનર દ્વારા રેસિડેન્સીયલ બિલ્ડિંગમાં વિઝિટર્સ માટે ‘નો પાર્કિંગ’નાં બોર્ડ લગાડેલાં હશે તેવી બિલ્ડિંગના ચેરમેનને નોટિસ ફટકારીને કડક કાર્યવાહી કરવાની તાકીદ જે તે ઝોનના એસ્ટેટ વિભાગને અપાઇ છે. આ અંગે પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, મ્યુનિ. ‘કમિશનરના આદેશ મુજબ જે તે સોસાયટી કે ફલેટના ચેરમેનને નોટિસ ફટકારવા માટેનો ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે. આવતા અઠવાડિયાથી આ અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરાશે. અમારી ટીમ સ્થળ પર જઇને વિઝિટર્સ માટે ‘નોન પાર્કિંગ’નાં બોર્ડ મામલે જે તે સોસાયટી ફલેટના ચેરમેનને નોટિસ ફટકારીને વિઝિટર્સને આઠથીદસ દિવસમાં સોસાયટી-ફલેટની અંદર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તાકીદ કરશે. જો તંત્રની નોટિસની અવગણના કરાશે તો પેનલ્ટી પણ વસૂલાશે.