૪પ એકર જમીન સરકાર હસ્તક કરાયા બાદ મૂળ માલિક હરેશ ચન્દ્રકાન્ત પટેલ સાથે સાટાખત કરીને કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. જેમાં દુર્લભ પટેલના પુત્ર, ધર્મેશ, બે પુત્રવધૂ તેમજ , જમાઈના નામે સાટાખત થયા હતા : ત્રણની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સિલિંગ એક્ટ હેઠળ સરકાર હસ્તક થયેલી મુળદની જમીન હડપવાના પ્રકરણમાં સનસનીખેજ ઘટસ્ફોટ સાથે સહકારી આગેવાન દુર્લભ પટેલના પરિવારની સંડોવણી બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કૌભાંડના મુળિયામાં દુર્લભ પટેલનો પરિવાર સામેલ હોવાથી તેમના મોત પર પણ શંકાના વમળો ઉઠવા લાગ્યા છે. ઓલપાડના મુળદ ખાતે આવેલી ૪૫ એકર જમીન સરકાર હસ્તક કરી લેવામાં આવ્યા બાદ મુળ માલિક હરીશ ચંદ્રકાંત પટેલ (કવાસ, ચોર્યાસી) સાથે સાટાખત કરીને કલેક્ટરેટમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. અત્યંત સામાન્ય જમીન બ્રોકર અબ્દુલ લતીફે ઉપરોક્ત જમીન સંદર્ભે દુર્લભ ગાંડા પટેલનો સંપંર્ક સાધ્યો હતો. જમીનના પેપર્સ જોયા બાદ ગાંડા પટેલના પરિજનોએ મુળ માલિક હરિશ ચંદુ સાથે સાટાખત તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ધર્મેશ દુર્લભ પટેલ, વૈશાલી ધર્મેશ પટેલ, રૂપલ જયંત પટેલ તેમજ દુર્લભભાઈના જમાઈ હેમંત નટવર પટેલના નામે સાટાખત કરીને ખેલ શરૂ કરવામાં આવ્યો હતો. અબ્દુલ લતીફનો પનો ટુંકો પડતા તેણે ઈસ્માઈલ શેખ ઉર્ફે ઘોડાનો સંપંર્ક સાધ્યો હતો જેથી તેણે કામ પતી જવાના નામે અંદાજિત એક કરોડ રૂપિયા કઢાવી લીધા હતા. આઠેક માસ વિતી ગયા છતાંય કોઈ પરિણામ નહી આવતા દુર્લભભાઈના પરિજનોએ દબાણ વધાર્યું એટલે ઈસ્માઈલ ઘોડાએ ભાજપ સાથે સંકળાયેલા એક ભેજાબાજ સાથે મળીને પ્રાંત અધિકારીનો બનાવટી ઓર્ડર તૈયાર કર્યો હતો અને લતીફના હાથમાં પધરાવી દીધો હતો. ઓર્ડર હાથમાં આવ્યા બાદ લતીફે જમીનમાં નામ દાખલ કરવા મામલતદાર કચેરીએ ઓર્ડર જમા કરાવ્યો હતો અને મામલતદારે પણ ખરાઈ કર્યા વિના જ કાચી એન્ટ્રી પાડીને દુર્લભભાઈના પરિજનોનું કામ સરળ બનાવી દીધુ હતું. જોકે, રેલો આવે તે પહેલાં જ મામલતદારે એન્ટ્રી રદ કરીને પ્રાંત અધિકારી સમક્ષ ફોરવર્ડ કરી દેતાં પટેલ પરિવાર ભેરવાઈ પડ્યું હતું. પોલીસે લેન્ડ બ્રોકર અબ્દુલ લતીફ શેખ, ઈસ્માઈલ ઘોડા તેમજ મામલતદારના ડ્રાઈવર મોહમ્મદ અલી મલેકની ધરપકડ કરીને ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ મળ્યા બાદ મામલતદારે ઓલપાડ પોલીસ મથકમાં અરજી કરીને ગુનો દાખલ કરવા ભલામણ કરી હતી તેના ત્રીજા જ દિવસે દુર્લભ પટેલે આપઘાત કરી લીધો હતો. સુરત જિલ્લા પોલીસ ગઈકાલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાશે એ સ્પષ્ટ છે. આ જમીનમાં દુર્લભ પટેલનું સીધું કનેક્શન હોવા છતાં તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી.

૪થીએ અરજી થઈ અને છઠ્ઠીએ આપઘાત
પ્રાંત અધિકારીના નામનો ઓર્ડર બોગસ હોવાનું પુરવાર થયા બાદ મામલતદાર એનએમ ચૌહાણ દ્વારા ૪થી સપ્ટેમ્બરના રોજ ઓલપાડ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. તેના ત્રીજા જ દિવસે એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ દુર્લભ પટેલે માંડવી ખાતે તેમની ક્વોરીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. બે કેસ એક સાથે ક્લબ થઈ ગયા હોવાથી પોલીસ પણ કન્ફ્યુઝ થઈ ગઈ છે. જોકે, પોલીસે તો ખુલાસો આપીને બંને કેસને જુદા તારવી દીધા છે પરંતુ લેન્ડ બ્રોકર અને ઈસ્માઈલ ઘોડા તેમજ ભાજપનો એક કાર્યકર્તા હકીકતથી વાકેફ છે.

આપઘાત સાથે મુળદની જમીન પ્રકરણનું કોઈ કનેક્શન નથી : જિલ્લા પોલીસ
પોલીસે ખુલાસો કરતાં જણાવ્યું કે, દુર્લભ પટેલના આપઘાત પ્રકરણ અને મુળદની સરકારી જમીનને પચાવી પાડવાના કૌભાંડમાં કોઈ કનેક્શન નથી. બંને અલગ અલગ બનાવ છે એટલે તપાસનીશ અધિકારીઓ પણ જુદા-જુદા રાખવામાં આવ્યા છે. બંને કેસની સેપરેટ તપાસ થઈ રહી હોવાથી મુળ સુધી પહોંચવામાં પોલીસ દરેક પ્રયાસ કરશે એમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.

ઈસ્માઈલ ઘોડાએ રિવોલ્વર બતાવી હતી
કરોડો રૂપિયાના કૌભાંડનો હિસ્સો બનેલા ઈસ્માઈલ શેખ ઉર્ફે ઘોડાએ નસ પારખી લીધી હતી અને એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ દુર્લભ પટેલના પુત્રો ગાંઠતા ન હોવાથી ઈસ્માઈલે તેમના ઘરે જઈને રિવોલ્વર વડે ધમકી આપી હોવાની ચર્ચાએ ભારે વેગ પકડ્યું છે. ઘોડા એટલે જ નામ પડ્યું છે કે તે બંદુકના બિનઅધિકૃત ધંધા સાથે સંકળાયેલો છે.