(એજન્સી) તા.ર૯
પોલીસના જણાવ્યા અનુસાર મુર્શિદાબાદ જિલ્લામાં એક બસ બ્રિજની રેલિંગ તોડીને ઘોગરા કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાને લીધે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો કારણ કે તેઓનો આક્ષેપ છે કે પોલીસે ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી વાર કરી હતી. આક્રોશને લીધે લોકો દ્વારા પોલીસના વાહનને આગ લગાડવામાં આવી હતી અને જ્યારે ફાયરબ્રિગેડનો કાફલો પહોંચ્યો ત્યારે તેના વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અકસ્માત વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે બસમાંથી ૩ર મૃતદેહોને નીકાળવામાં આવ્યા હતા અને ઘાયલોને મુર્શીદાબાદ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત સવારના ૬ વાગ્યાની આસપાસ દૌલતબાદ પોલીસ સ્ટેશનની હદમાં બાલિરઘાટ ખાતે થયો હતો. આ બસ નડિયા જિલ્લાના શિખરપુરથી માલ્દા જઈ રહી હતી. સ્થાનિકોનો દાવો છે કે, બસમાં લગભગ પ૦-૬૦ મુસાફરો હતા. પરંતુ બસમાં મુસાફરોની સંખ્યા વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી નથી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં કહ્યું હતું કે તેઓ અકસ્માત સ્થળે જવા નીકળી ગયા છે અને મુસાફરોને બચાવવા માટે બધા જ પ્રયત્નો કરવામાં આવશે. તેમણે મૃતકોના પરિવારને રૂા.પ લાખ વળતરની જાહેરાત કરી હતી અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને રૂા.૧ લાખની સહાય જાહેર કરી હતી. આ ઉપરાંત અન્ય ઈજાગ્રસ્તોને પણ રૂા.પ૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અને એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.