(એજન્સી) કોલકત્તા, તા.૬
એ તર્કની સાથે કે રાજ્યના મુખ્યમંત્રી હોવાને કારણે લઘુમતીઓ અને તેમના કલ્યાણ શિક્ષણ અને સામાજિક વિકાસ માટે વિચારવું એ અમારી જવાબદારી છે. સી.એમ.મમતા બેનરજીએ કહ્યું કે કેન્દ્ર અથવા કોઈપણ નેતા આ મુદ્દે કોઈ સલાહ ના આપે. હું રાજ્યના દરેક વર્ગ અને સમુદાયને સંબંધિત મુદ્દાઓથી ચિંતિત છું. બંગાળમાં ૩૧ ટકા લઘુમતીઓની વસ્તી છે. તેમને નજરઅંદાજ કરી શકાય નહીં. પ.બંગાળ લઘુમતીઓ અને નાણાકીય નિગમના વાર્ષિક કાર્યક્રમનું સંબોધન કરતા સીએમ બેનરજીએ કેન્દ્ર સરકારની સખત ટીકા કરી અને કહ્યું કે કેન્દ્રીય યોજનાઓ માટે હજી સુધી ભંડોળ મળ્યું નથી અને તેમ છતાંય દરેક યોજનાઓ બંગાળમાં ચાલી રહી છે. બેનરજીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે ભંડોળ આપવાનું બંધ કરી દીધું છે તેમ છતાંય અમે લઘુમતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપી રહ્યા છીએ. મમતા બેનરજીએ કહ્યું કે લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખી શકાય નહીં. શિક્ષણ પર તેમનો પણ તેટલો જ અધિકાર છે, જેટલો અન્ય વર્ગોનો છે.