અમદાવાદ, તા.૧ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ર૪ ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરનાર છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના કાર્યક્રમ સ્થળે હજારોની સંખ્યામાં લોકોને લાવવા લઈ જવા એસટી નિગમની ર હજાર બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ પાસે આમેય હાલના રૂટ પર દોડાવવા પૂરતી બસો નથી ત્યારે એક સાથે બે હજાર બસો દોડાવવાથી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમમાં તેમનો કાર્યક્રમ હોવાથી જેને લઈ તડામાર તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે. ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરવાના છે. આ માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પર ઉપસ્થિત રહેશે. લોકોને લાવવા અને લઈ જવા માટે એસટી નિગમની ૨૦૦૦ બસને દોડાવવામાં આવશે. જેમા અમદાવાદ અને ગાંધીનગર ડિવિઝનની ૮૦૦ બસો અને અન્ય ડિવિઝનમાંથી ૧૨૦૦ બસ મંગાવવામાં આવશે. જોકે એસટી નિગમ પાસે કોઈ વધારાની બસો નથી પરંતુ કાર્યક્રમ માટે ઓછા ટ્રાફિક વાળા રૂટ રદ કરીને ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમમાં બસ દોડાવવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.એટલે કે ૨૪ ફેબ્રુઆરીના એસટી નિગમની ૨૦૦૦ બસો માત્ર કાર્યક્રમ માટે દોડાવવામાં આવશે. બસોની ફાળવણી કયા ડિવિઝનમાંથી કેટલી બસો ફાળવવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી છે. ૨૦૦૦ બસની પાર્કિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા સંભાળવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ બે હજાર એસટી બસના પાર્કિગ માટેની વ્યવસ્થા કરી રહ્યુ છે. સાથે સાથે વીવીઆઈપી વાહનોના પાર્કિગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જેને લઈ એસટી નિગમના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ સાથેની બેઠક યોજીને આયોજન કરવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે એસટી નિગમ પાસે ૭ હજાર બસો છે જેમાથી ૨ હજાર બસો તો માત્ર કાર્યક્રમ માટે દોડાવવાની છે ત્યારે જે રૂટની બસો રદ કરે ત્યાના પ્રવાસીઓને મુશ્કેલી સર્જાવાની શક્યતા છે. એટલે કે પ્રવાસીઓએ પણ ૨૪ ફેબ્રુઆરીના રોજ ક્યાંય જતા હોય તો બસના શિડ્યુલ જોઈને નિકળવું પડશે.