(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.રપ
સમાજ સુધારણા માટે વિશ્વવ્યાપી બિનરાજકીય સંસ્થા દા’વતે ઈસ્લામી દ્વારા ધોળકા નજીક સિંધરેજ ખાતે તા.ર૬ અને ર૭ જાન્યુઆરીના રોજ ઈજતેમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આજે સિંધરેજ ખાતે દાવતે ઈસ્લામીના મોહસીન અત્તારી, અમજદ અત્તારી, અકીલ અત્તારીએ ખાસ હાજર રહી પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે દાવતે ઈસ્લામી છેલ્લા સાડાત્રણ દાયકાથી ભારત સહિત વિશ્વના ર૦૦થી વધુ દેશોમાં ધાર્મિક સહિષ્ણુતા, ભાઈચારો, એકતાના સંદેશ સાથે માનવીને ખરા અર્થમાં સારો અને સંસ્કારી બનાવવા કાર્યરત છે. દારૂ, જુગાર, નશીલા પદાર્થોથી સમાજને વ્યસન મુક્ત કરવા આ ઈજતેમામાં લોકોને હાકલ કરાશે. આ ઈજતેમામાં રાજ્યભરમાંથી લોકો ઉમટી પડશે. જેઓને ઈસ્લામ ધર્મ અને મહાન પયગમ્બર (સ.અ.વ.)એ ચિંધેલા રાહ ઉપર પ્રવચન થકી લોકોને ખરા અર્થમાં મુસલમાન બનવાની શીખ અપાશે. વિશ્વભરમાં ઈસ્લામ ધર્મ વિશે થઈ રહેલા દુષ્પ્રચારની સામે વાસ્તવમાં ઈસ્લામ શું છે તેની જાણકારી અપાશે. મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે પણ દાવતે ઈસ્લામી કામ કરતી હોવાનું વધુમાં જણાવ્યું હતું.