અમદાવાદ, તા.૬
લોકડાઉન દરમ્યાન લોકો સોશિયલ મીડિયા ઉપર અફવા અને ખોટા મેસેજ મોકલી માહોલને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પોલીસે આ મામલે ગંભીરતા લઈને સોશિયલ મીડિયા ઉપર વોચ ગોઠવી છે. અત્યાર સુધી રાજ્યમાં સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા મામલે કુલ ૧૧૩ ગુના નોંધીને ૧૯૮ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ‘મુસ્લિમ લોકો શાકભાજી પર થુંક લગાવે છે’ તેવી પોસ્ટ વાયરલ થઈ હતી. ત્યારે આ મામલે ગુનો નોંધાયો હતો. જેમાં અમદાવાદ પોલીસે પોસ્ટ વાયરલ કરનાર મુકેશ પાટિલ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું છે. કોરોના વાઈરસને પગલે છેલ્લા ૧૩ દિવસથી રાજ્યભરમાં લોકડાઉન છે. ત્યારે લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનરે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ૧૨૮૨ ગુના નોંધાયા છે અને ૩૯૦૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં જમાલપુર, કાલુપુર વિસ્તારમાં ડ્રોનથી જાહેરાત કરી અને લોકોને ભેગા ન થવા સૂચના આપવામાં આવે છે. અમદાવાદમાં લોકડાઉન દરમિયાન ૨૦૭ સિનિયર સિટિઝનને તપાસ કરી પોલીસે જરૂરી મદદ કરી છે. મેડિકલ તપાસ તમામ પોલીસકર્મીઓની કરવામાં આવી છે. કલસ્ટર વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વધુ જીઇઁની ૩ ટુકડી રાખવામાં આવી છે. જે પણ વ્યક્તિ રોડ પર વ્યક્તિ વગર કારણે એકલદોકલ નીકળે છે તેની સામે ગુનો નોંધવામાં આવશે. જે જરૂરિયાત સેવા, સરકારી ઓનડ્યુટી કર્મચારીઓને જ છૂટ અપાઈ છે. જે પણ દિલ્હી કે મલેશિયા જઈ આવ્યા હોય અને તાવ, શરદી કે કોઈ લક્ષણ જણાય તો કોર્પોરેશનને જાણ કરે. જેટલો જલ્દી ખ્યાલ આવે એનાથી બીજા પર ઓછી અસર થાય.