(એજન્સી) મુંબઈ, તા.૪
મુસ્લિમ આરક્ષણના મુદ્દે એનસીપી-કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકાર પર દબાવ બનાવી સરકાર છોડવાની ધમકી આપે તો ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાને ટેકો આપવાની જાહેરાત કરી છે. એનસીપી-કોંગ્રેસ સરકાર શિક્ષણ ક્ષેત્રે મુસલમાનોને પ% આરક્ષણ આપશે. ભાજપના નેતા સુધીર મુંગીવારે પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું કે તેમના પક્ષનું માનવું છે કે આરક્ષણ ધર્મના નામે અપાય નહીં. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે શિવસેનાએ જે નિર્ણય કર્યો છે તે સાચો છે. તે સંવિધાનની વાત કરે છે. સંવિધાન ધર્મના આધારે આરક્ષણ આપતું નથી. જો ધર્મના નામે આરક્ષણ આપવાનું છે. તો શીખો અને ખ્રિસ્તીઓએ શું ગુનો કર્યો છે ? ભાજપ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ આર્થિક રૂપે પછાત વર્ગો માટે ૧૦ % અનામત કરી છે જેમાં ખ્રિસ્તી અને મુસ્લિમ બંને આવી જાય છે. ઉદ્ધવ ઠાકરેએ યોગ્ય કદમ ઉઠાવ્યું છે. શિવસેના સાથે અમારૂં ગઠબંધન સિદ્ધાંત આધારિત હતું. જો કોંગ્રેસ-એનસીપી આ મુદ્દે દબાવ બનાવે તો શિવસેનાએ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ સરકાર છોડી દે તો પણ અમે હદમાં રહી સરકારને સાથ આપીશું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મુસ્લિમ આરક્ષણનો પ્રસ્તાવ મારી પાસે આવ્યો નથી. જ્યારે આવશે ત્યારે તેની કાયદેસરતા તપાસી યોગ્ય કાર્યવાહી કરાશે. તેમણે ભાજપને આ મુદ્દે રોજરોજ હંગામો નહીં કરવા જણાવ્યું હતું.