(એજન્સી) મુંબઈ, તા.૧૯
મહારાષ્ટ્ર ભાજપ લઘુમતી મોરચા દ્વારા આયોજિત મહિલા પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંબોધન કરતા લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે મુસ્લિમ છોકરીઓમાં શાળા છોડવાનો ૭ર ટકાનો દર છે એ ચિંતાજનક વાત છે. પરિસ્થિતિને બદલવા માટે મોદી સરકારે મુસ્લિમ છોકરીઓના શૈક્ષણિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણે લઘુમતીઓમાં સારા શિક્ષણ વિશે જાગૃતિ ઉત્પન્ન થઈ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં નકવીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એવા લોકોનું નેતૃત્વ કરી રહી છે કે જેઓ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઊભા કરાયેલા વિકાસ અને સમૃદ્ધિના વાતાવરણમાં વિક્ષેપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નકવીએ કહ્યું હતું કે લઘુમતીઓમાં અને ખાસ કરીને મુસ્લિમોમાં સાક્ષરતાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઓછો છે જે પણ ચિંતાજનક બાબત છે.
નકવીએ દાવો કર્યો હતો કે મોદી સરકારની તૃષ્ટિકરણ વગર સશક્તિકરણ અને ગૌરવ સાથે વિકાસની નીતિના કારણે ગરીબ, નબળા વર્ગના અને લઘુમતી સમુદાયના લોકો વિકાસની પ્રક્રિયાના સમાન ભાગીદાર બન્યા છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ર.૪ર કરોડ લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને જુદી-જુદી શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે. આ વર્ષે ૧.પ કરોડ જેટલા વિદ્યાર્થીઓએ પ્રિ-મેટ્રિક, પોસ્ટ મેટ્રીક, મેરિટ-કમ-મિન્સ અને લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવતી અન્ય શિષ્યવૃત્તિઓ માટે અરજી કરી છે.
મુસ્લિમ છોકરીઓમાં ૭ર ટકાથી વધારેનો ડ્રોપ આઉટ દર સરકાર માટે ચિંતાની બાબત છે : મુખ્તાર અબ્બાસ નકવી

Recent Comments