(એજન્સી) પટના, તા.૧૯
વિવાદાસ્પદ અને કોમવાદી ટીપ્પણી માટે પંકાયેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દરભંગાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરીને ટોળાને ઉશ્કેરતા કેમેરામાં કેદ થઇ ગયા છે. રાજદના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે, ગિરિરાજ સિંહ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી રહ્યા છે. ટોળા દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરાયા બાદ તેના પરિવારજનોને મળવા સિંહ પહોંચ્યા હતા. જોકે, સ્થાનિક પોલીસ અને ભાજપના સાંસદ તથા ડેપ્યુટી મુખ્યમંત્રીએ ચોકનું નામ નરેન્દ્ર મોદી પર રાખવા બદલ તેની હત્યા થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે ગિરિરાજ સતત દાવો કરી રહ્યા હતા કે, ચોકનું નામ મોદી પર રાખવા બદલ જ તેની હત્યા કરવામાં આવી છે. રાજદ નેતા તેજસ્વી યાદવ દ્વારા બહાર પડાયેલ વીડિયોમાં ગિરિરાજ ડીએસપી મુર્દાબાદના નારા લગાવવા ટોળાને ઉશ્કેરી રહેલા દેખાય છે.
૭૦ વર્ષના રામચંદ્રની શુક્રવારે હત્યા બાદ સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સત્યવીરસિંહે કહ્યું હતું કે, આ જુનો જમીનનો વિવાદ હતો અને નરેન્દ્ર મોદીના નામે ચોકનું નામ રાખવાનો કોઇ વિવાદ નથી. મૃત્યુ પામનારાના પુત્રને લાકડીઓ વડે માર મારી ઇજાગ્રસ્ત કરાયો હતો ત્યારબાદ ગામમાં તંગદિલી ફેલાઇ હતી. જુનિયર અને ડીએસપી દિલનવાઝ અહમદે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાતે જ ગુનેગારોને પકડી પાડ્યા હતા. અમે તમામ સાક્ષીઓના નિવેદન લઇ લીધા છે. તેમણે કહ્યું કે, આ જમીનનો વિવાદ છે. દરમિયાન વીડિયોમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ડીએસપી વિરૂદ્ધ ટોળાને સૂત્રોચ્ચાર કરીને ઉશ્કેરતા દેખાય છે.
શનિવારે ગિરિરાજ અને ભાજપના બિહારના પ્રમુખ નિત્યાનંદ રાયે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે વાત કરતા ગિરિરાજે કહ્યું હતું કે, હું જાણી રહ્યો હતો કે, એક ખાસ સમુદાય તરફથી ચૂંટણીમાં ઝેર નાખવામાં આવી રહ્યુ છે. આજે એ જ ચૂંટણીના પરિણામ બાદ તેજુ યાદવ અને તેમના પરિવાર તરફથી નિવેદન આવે છે કે, જ્યારથી તેણે મોદી ચોક બનાવ્યો ત્યારથી તેના પર આફતનો પહાડ તૂટી પડ્યો છે. ભાજપનાઅધ્યક્ષ રાયે પણ કહ્યું કે, લોકો કહે છે કે આ મોદી ચોક નામ રાખવાને કારણે થયું છે. તે જુનો જમીન વિવાદ હોઇ શકે. એસપી અને ડીએસપી આ બનાવને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમે સરકારના પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરીશું. ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ આ બનાવને મોદી ચોક સાથે જોડવાની બાબતને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી હતી. જ્યારે ગિરિરાજનો વીડિયો શેર કરતા રાજદના નેતા તેજસ્વી યાદવે કહ્યંુ હતું કે, મોદીજીના માનીતા મંત્રી ગિરિરાજ સિંહ પોતાનીજ સરકારની કાયદો અને વ્યવસ્થા ખરાબ કરી રહ્યા છે. તેઓ નીતિશ સરકાર સામે જ ટોળાને ઉશ્કેરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીની ગેરકાયદે હરકત સામે કોણ સવાલ પુછશે અને ચર્ચા કરશે ?