(રિયાઝખાન) અમદાવાદ, તા.ર૧
દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને હરાવવા સૌ સાથે મળી મેદાને પડ્યા છે. જેમાં કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા છોડી માનવમાત્રને મદદ કરવાનું અદકેરું કાર્ય કરી રહ્યા છે. આવા જ એક કોરોના વોરિયર છે ડૉ.શકીલ વડાલીવાલા કે જેમણે પવિત્ર રમઝાનમાં રોઝા, નમાઝ અને ઈબાદત સાથે દીની ફરજ નિભાવાની સાથે સાથે સમરસ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૮૦૦ દર્દીઓની સારવારમાં જોડાઈ માનવતાનો ધર્મ નિભાવ્યો છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બાળ વિભાગમાં કન્સલ્ટન્ટ ડૉક્ટર શકીલ વડાલીવાલાને જ્યારે કોરોના માટેની સમરસ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ડ્યુટી માટે જણાવાયું ત્યારે તેમણે સામેથી જ વહેલી તકે ફરજ સ્વીકારી લીધી, જ્યારે કેટલાક ડૉક્ટરો તારીખ પાછી પણ ઠેલાવતા હોય છે. એક તરફ પવિત્ર રમઝાન માસ, બીજી તરફ કાળઝાળ ગરમી, પત્નીની ડિલિવરીનો સમય નજીક અને માતાની જવા દેવા માટે આનાકાની, આ બધાની વચ્ચે ડૉક્ટર પોતાની જાતને સ્થિર રાખી ૯મી મેના રોજ એક સપ્તાહ માટે કોવિડ-૧૯ હોસ્પિટલમાં જોડાયા. હોસ્પિટલમાં ૮૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે પ્રથમ દિવસથી પોઝિટિવ વિચારો સાથે પોતાની કામગીરી આરંભી દીધી. હોસ્પિટલમાંથી જે ખાવાનું મળે તેમાંથી જ રોઝા માટે શહેરી અને ઈફતારીનું આયોજન કરવાનું; બહારની કોઈ ચીજ તો હોસ્પિટલમાં લાવી શકાય નહીં, જે મળ્યું તે અલ્લાહનો શુક્ર અદા કરી રોઝા પણ રાખ્યા, નમાઝ પણ અદા કરી. ડૉક્ટર શકીલના શબ્દોમાં જ કહીએ તો પીપીઈ કીટ પહેર્યા પછી રોઝો રાખી કામ કરવું ખૂબ જ કઠિન હતું. પરસેવે રેબઝેબ થઈ જવાય છતાં હિંમતભેર કામ પાર પાડયુું. ૮૦૦ દર્દીઓની વચ્ચે જેમાં બાળકો, સ્ત્રીઓ અને પુરૂષો બધા જ તેમને સાંત્વના પણ આપવાની અને ઈલાજ પણ કરવાનો. દરેક દિવસ એક ચેલેન્જ સમાન હતો છતાં તેમણે પાર પાડ્યો. આ ૮ દિવસની તેમની ફરજ દરમિયાન ૩૮ર લોકો નવી પોલિસી મુજબ સાજા થઈ જતાં તેમને રજા અપાઈ. દરેક વ્યક્તિની માનસિકતા જુદી. ડૉક્ટરે એક તરફ રોઝા, નમાઝ સાથે દર્દીઓને પણ સાચવ્યા અને ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી અને ૧૬મી મેના રોજ ૮ દિવસ બાદ ચાર્જ અન્ય ડૉક્ટરને સોંપ્યો. ડૉક્ટર તેમના આ આઠ દિવસની સફરને જીવનની યાદગાર સફર ગણાવે છે અને ફરીવાર જ્યારે પણ દેશ માટે આવી કામગીરી સોંપાય કોઈપણ પ્રકારની આનાકાની વગર તરત ફરજ નિભાવવા તૈયાર છે. આ તેમની ભીતરની માનવતાને ઉજાગર કરે છે.

કોરોના પોઝિટિવ દર્દી મૃત માતાનું મુખ ન જોઈ શક્યો

સમરસ કોવિડ-૧૯ હોસ્પિટલમાં એક રર વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીને ૧૪ દિવસ માટે લવાયો. દર્દી ધીરે ધીરે સાજો થઈ રહ્યો હતો ત્યારે પાંચમાં દિવસે તેની માતાના મૃત્યુના સમાચાર મળ્યા. દર્દી રો-કકળ સાથે ઘરે જવાનું કહેવા લાગ્યો. ખૂબ રડ્યો પણ શું થાય ? આમ કાળમુખા કોરોનાએ મૃતક માતા અને પુત્રીને છેલ્લી વાર મળવા ન દીધા. દર્દી મૃતક માતાનું મુખ ન જોઈ શકયો. આ બાબત ડૉક્ટરના હૃદયને પણ હચમચાવી ગઈ. આવા સમયમાં માનસિક સંતુલન જાળવી કોરોના સામે લડવું કેટલું મુશ્કેલ છે તે પણ સમજાય છે; છતાં લડવાનું છે.

સાજા થઈ ઘરે જતા દર્દીઓમાં જંગ જીત્યાનો આનંદ

ડૉ.શકીલ વડાલીવાલાએ ૮૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપી જેમાં આઠ દિવસમાં ૩૮ર જેટલા દર્દીઓ સાજા થઈ ઘરે ગયા જ્યારે અન્ય કેટલાક દર્દીઓ સાજા થવા લાગ્યા ત્યારે ડૉક્ટરના મતે સાજા થઈને ઘરે જતા દર્દીઓમાં જાણે કે પોતે જંગ જીતી લીધી હોય તેવો આનંદ જોવા મળતો હતો. આ બાબત જ બતાવે છે કે જીવન કેટલું અણમોલ છે અને કોરોના સામેની લડાઈમાં અનેકને તેનું મૂલ્ય સમજાવા લાગ્યું છે.

હજુ પણ લોકોમાં જાગૃત્તિ નથી આવી તે ખૂબ દુઃખની વાત

પોતાની ૮ દિવસની ફરજ દરમિયાન ડૉક્ટરને સૌથી વધુ ખરાબ બાબત જે જણાઈ તે આપણામાં જાગૃત્તિનો અભાવ. ૮૦૦ જેટલા કોરોનાના દર્દીઓ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરતા ન હતા અને અનેકવાર ટોળેટોળાં વળી જતા હતા અને સરકાર દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા હોવા છતાં લેવા માટે પણ પડાપડી કરતા હતા. જો દર્દીઓની આવી સમજણ હોય તો સામાન્ય સાજા વ્યક્તિઓની વાત જ શી કરવી ? કોરોનાથી બચવા ગંભીર બની નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આ અંગે જાગૃત્તિ કેળવીશું તો જ આ જંગ જીતી શકીશું.