(એજન્સી) દહેરાદૂન, તા.૧૨
ભારતીય સંસ્કૃતિના સમન્વયનો એક વધુ સુંદર ઉદાહરણ પ્રકાશમાં આવ્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં વિવિધ જાતિ અને ધર્મના લોકોનો સમન્વય થયેલો છે. હિન્દુ-મુસ્લિમ એકેયની સુંદર ઘટના દહેરાદૂનમાં બની છે. એક મુસ્લિમ પરિવારે હિંદુ કિશોરને દત્તક લીધો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં ૧ર વર્ષીય હિન્દુ કિશોરને દત્તક લીધા બાદ હિંદુ રીતી પ્રમાણે જ તેનો ઉછેર કરીને હવે તેના લગ્નની ઉજવણીમાં પરોવાયેલ મુસ્લિમ પરિવાર હિંદુ રીત-રિવાજ મુજબ લગ્ન કરાવી રહ્યા છે. દહેરાદૂનના મોઈનુદ્દીન અને પત્ની કૌશરે ૧ર વર્ષીય હિન્દુ કિશોર રાકેશ રસ્તોગીને દત્તક લીધો. રાકેશને દત્તક લીધા બાદ મોઈનુદ્દીને રાકેશના ઈસ્લામિક રીતે કરવાના બદલે સંપૂર્ણ હિન્દુ ધર્મ પ્રમાણે ઉછેર કર્યો છે. આ ઘટના દર્શાવે છે કે, મુસ્લિમોને જે રીતે કટ્ટરપંથી તરીકે ચિતરવામાં આવ્યા છે. વાસ્તવમાં એવું નથી. રાકેશનો હિન્દુ ધર્મ પ્રમાણે ઉછેર કરીને મોઈનુદ્દીને બનાવી દીધુ છે કે, ઈસ્લામ ધર્મ સહિષ્ણુતા દાખવે છે. રાકેશનો ઉછેર બંને ધર્મની પ્રેમાળ છાયાના પ્રતિષ્ઠા સાથે થયો. રાકેશે જણાવ્યું કે, મારા પર પુજા કરવા માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કે દબાણ મૂકવામાં આવ્યો નથી. મેં હોળી, દિવાળી અને બીજા તહેવારો આ જ ઘરમાં ઉજવ્યા છે. રાકેશ યુવાન થતાં તેના લગ્ન માટે હિન્દુ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી અને સંપૂર્ણ હિન્દુ ધાર્મિકવિધિ પ્રમાણે રાકેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. કૌશરબાનુએ તેમની વહુ સોનીને હિન્દુ રીત-રિવાજ સાથે સ્વીકારી છે. સોની સાથે ૯મી ફેબ્રુ.ના રોજ લગ્નના બંધનમાં બંધાયેલ રાકેશે જણાવ્યું કે, મારા પરિવારે મને પ્રેમ આપ્યો છે. દરેક બાબતમાં સહકાર આપ્યો છે અને મારા લગ્ન પણ હિન્દુ રીત-રિવાજ મુજબ કરાવીને મને હૂંફ આપી છે. રાકેશના લગ્નમાં તેના મુસ્લિમ પરિવારે ઉત્સાહથી ભાગ ભજવ્યો હતો.