(એજન્સી) નાગપુર, તા.૧૩
રવિવારના દિવસે જાફરનગરની નજીક આવેલા અહેબાબ કોમ્યુનિટી હોલમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાર્યવાહક સભ્ય અને જાણીતા સામાજિક કાર્યકર ડો.અસ્મા ઝેહરા દ્વારા શરિયતના કાયદાઓની જાણકારી અને ત્રિપલ તલાક બિલ પર ઈસ્લામમાં મહિલાઓના દરજ્જા આધારે એક ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમોના અંગત કાયદામાં થતા દખલનો વિરોધ કરવા માટે AIMPLBએ ર૦ માર્ચે બપોરના ર વાગ્યે મહિલાઓની એક રેલીનું આયોજન કર્યું છે. જેમાં લગભગ શહેરની ૧પ,૦૦૦ મહિલાઓ ભાગ લેશે. આ રેલીની શરૂઆત કસ્તુરચંદ પાર્કથી કરવામાં આવશે અને તે ઇમ્ૈં ચોક તરફ જશે.
ડો.અસ્મા ઝેહરાએ કહ્યું હતું કે બુરખો પહેરેલી હજારો યુવતીઓ અમારા સમુદાયની એકતા દર્શાવશે. આ એક શાંતિપૂર્ણ અહિંસક અને શિસ્તબદ્ધ રેલી હશે જેમાં કોઈપણ પ્રકારનો સૂત્રોચ્ચાર નહીં કરવામાં આવે. હાલમાં રાજ્યસભામાં મોકૂફ રહેલા ટ્રિપલ તલાક બિલ વિરૂદ્ધ આ એક શાંત સંદેશો હશે. તેમણે કહ્યું હતું કે દેશના કરોડો મુસ્લિમોને જાગૃત કરવા માટે અને તેઓને તેમના ધર્મની બાબતોની નજીક લઈ જવા માટે કે જેથી તેઓ શરિયતને બચાવવા માટે અવાજ ઊઠાવી શકે તે માટે આવા પ્રયત્નો જરૂરી છે.
ઝેહરાએ કહ્યું હતું કે ઈસ્લામ ધર્મમાં તલાકનો જે ખ્યાલ છે તે ખરેખર મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે. તેમણે સમજાવ્યું કે, ઈસ્લામ લગ્ન વિચ્છેદની પરવાનગી આપે છે અને અન્ય ધર્મોની જેમ તે પતિ-પત્ની વચ્ચેના સાત જન્મોના સંબંધોમાં વિશ્વાસ રાખતો નથી. આ એક સરળ કરાર છે જેમાં પતિ તેની પત્નીનો ખ્યાલ રાખવા માટે અને તેની સાથે સારી વર્તણૂક કરવા માટે સંમત થાય છે. જો આવું ન થાય તો બંને પક્ષો છૂટા થઈને કોઈ અન્ય જોડે લગ્ન કરી શકે છે અને તે બિલકુલ કાયદાકીય છે. આથી જો લગ્ન અસફળ રહે તો પણ મુસ્લિમ મહિલાઓને મુશ્કેલીઓ વેઠવી પડતી નથી. શરિયતના કાયદાઓમાં ફેરફારની માગણી કરી રહેલા લોકોને ઉદ્દેશી તેમણે કહ્યું હતું કે દરેક જણ તેના પોતાના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે અને તે માટે કોઈ દબાણ ન કરી શકાય. જો કેટલાક લોકો શરિયતના કાયદાનું પાલન ન કરવા ઈચ્છતા હોય તો તેઓ ભારતના બંધારણ પ્રમાણે તેમના મૂળભૂત હકોનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે શરિયતના કાયદાઓમાં ફેરફારની માગણી ન કરી શકે.