૧૯૬૫માં મુસ્લિમ રેજિમેન્ટે પાકિસ્તાન સામે યુદ્ધ લડવાનો ઈન્કાર કર્યાની બોગસ સોશિયલ મીડિયા પોસ્ટ સામે સેનાની ત્રણેય
પાંખોના નિવૃત્ત અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી અંતિમવાદીઓના
મનસૂબા નિષ્ફળ બનાવવા ઉચ્ચસ્તરે રજૂઆત કરી
હકીકતમાં સેનામાં આવી કોઈ રેજિમેન્ટ સ્થપાઈ જ નથી,
આવા બોગસ દાવા કરી દેશની શાંતિ ડહોળવા અને મુસ્લિમોને બદનામ કરનારા કટ્ટરવાદીઓ અને દેશ વિરોધી લોકોને શોધી તેમની પૃષ્ઠભૂમિ તપાસવા સેનાના અધિકારીઓનો અનુરોધ
સેનામાં રહેલા મુસ્લિમ જવાનો હંમેશાં ભારત દેશ પ્રત્યે કટિબદ્ધ રહ્યા છેે અને દેશ માટે જાન ન્યોછાવર કરવા તત્પર રહે છે : પત્રમાં પાકિસ્તાની સેના સામે લડતાં શહીદ થનારા અબ્દુલ હમિદ અને મેજર જનરલ અબ્દુલ રફીખાનના ઉદાહરણો ટાંકવામાં આવ્યા હતા
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
દેશમાં જાણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ ક્ષેત્રોનું કોમવાદીકરણ કરવા અને મુસ્લિમોને બદનામ કરવા માટે એક સુવ્યવસ્થિત યોજના ચાલી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. હવે આ યાદીમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું છે. સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટ એટલી ભડકાઉ છે કે, તેનાથી સુરક્ષા દળોનું મનોબળ પણ તૂટે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો જૂઠો દાવો કરવામાં આવ્યો છે કે, અગાઉ સેનામાં મુસ્લિમ રેજિમેન્ટનું અસ્તિત્વ હતું. પણ ૧૯૬૫માં આ રેજિમેન્ટે પાકિસ્તાન સામે યુદ્ધ લડવાનો ઈન્કાર કરતાં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટથી ચિંતિત દેશના પૂર્વ સૈનિકોએ આવા ખોટા દાવા કરનારા કટ્ટરવાદી લોકો અને અસામાજિક તત્ત્વોને શોધી કાઢી તેમની સામે આકરી કાર્યવાહી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અંતિમવાદીઓના મનસુબા નિષ્ફળ બનાવી દેશમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ ઊભો કરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ પત્રમાં એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે, આ પ્રકારની નાપાક હરકતથી જવાનો પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. જે દેશની અંખિડતતા માટે ખૂબ જ જોખમી છે. સેનાના ૧૨૦ નિવૃત્ત અધિકારીઓના એક સમૂહે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આ મામલે ચેતવણી પણ આપી છે. રાષ્ટ્રહિતનું આહ્વાન કરતાં આ અધિકારીઓએ આ બોગસ પોસ્ટ કરનારા લોકોની પૃષ્ઠભૂમિની તાત્કાલિક તપાસ કરવાનો પણ આગ્રહ કર્યો હતો. આ અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક અને ટ્વીટરને પણ આવો ખોટો પ્રચાર કરવા સામે ચેતવણી આપી હતી. ૧૪ ઓકટોબરે લખવામાં આવેલા પત્રની એક નકલ મીડિયા સમક્ષ પણ રજૂ કરવામાં આવી હતી. આ પત્રમાં જણાવાયું હતું કે, ૧૯૬૫ના યુદ્ધમાં પાકિસ્તાન સામે લડવાનો ઈન્કાર કર્યા બાદ મુસ્લિમ રેજિમેન્ટને અપમાનિત કરવાવાળી પોસ્ટ સંપૂર્ણ રીતે એક જૂઠ છે. પત્રમાં જણાવાયું હતું કે, મે ૨૦૧૩થી ફેસબુક અને ટ્વીટર પર એક બોગસ એકાઉન્ટ દ્વારા આ જૂઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. હવે ભારત-ચીન સરહદે તંગદિલી વચ્ચે આ પોસ્ટને વધુ હવા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઉપરાંત સેનાની ત્રણેય પાંખોના વડા તેમજ અન્ય સંબંધિત લોકોને પણ આ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારા લોકોમાં સેનાની ત્રણેય પાંખોના પૂર્વ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં ચિંતાજનક રીતે એમ જણાવાયું હતું કે, આ જૂઠ આપણા દેશ અને સશસ્ત્ર દળોમાં અહિતકારી શક્તિઓ દ્વારા ફેલાવાઈ રહ્યું છે, જે મનોબળ અને રાષ્ટ્રીય સુરક્ષાને નબળા પાડનાર છે. પત્રમાં જણાવાયું હતું કે, સેનામાં રહેલા મુસ્લિમ જવાનો હંમેશા ભારત દેશ પત્યે કટિબદ્ધ રહ્યાં છેે અને દેશ માટે જાન ન્યોછાવર કરવા તત્પર રહે છે. આ પત્રમાં પાકિસ્તાની સેના સામે લડતાં શહીદ થનારા અબ્દુલ હમિદ, પરમવીર ચક્ર અને મેજર જનરલ અબ્દુલ રફી ખાનના ઉદાહરણો ટાકવામાં આવ્યા હતા. મુલ્સિમ સૈનિકોની વફાદારી સામે કોઈ શંકા થઈ શકે નહીં, એમ પત્રમાં જણાવાયું હતું.
Recent Comments