(એજન્સી) તા.૧
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે દેશમાં મુસ્લિમ વિરૂદ્ધ ઘટનાઓ અને નિવેદનોના કારણે વિદેશ દ્વારા નકારાત્મક પ્રતિક્રિયા જ મળશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિદેશોમાં ડેમેજ કન્ટ્રોલ કરવાને બદલે દેશની અંદર ઘરેલુ વાસ્તવિકતાને બદલવાની જરૂર છે. તેમણે આ વાતો ભારતની અંદર ઈસ્લામોફોબિયાની કથિત સ્થિતિ અંગે અરબ દેશોમાં ઊઠેલા વિવાદ પર કહી હતી.
થરૂરે કહ્યું કે સરકાર શું ઈચ્છે છે, તે મહત્ત્વ ધરાવતું નથી. મહત્ત્વપૂર્ણ તો એ છે કે સરકાર જે કરી રહી છે અને જે બીજાને કરવા દે છે તેનાથી કેવી ધારણ બંધાઈ રહી છે. તેમનો આરોપ છે કે મોદી સરકાર તેના અનેક કટ્ટર સમર્થકોના ભયભીત કરી મૂકે તેવા વર્તન પર કાબૂ મેળવવામાં શરમજનક રીતે નિષ્ફળ રહી છે જેમાં અનેક ઉચ્ચ પદોએ બિરાજમાન પણ છે.
થરૂરે વડાપ્રધાન મોદી પર ગત છ વર્ષોથી પોતાના દળના કટ્ટર વલણની ટીકા કરવામાં વિલંબ કરતા રહેવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે ખુદ વડાપ્રધાનના કેમ્પમાંથી ઈસ્લાફોબિયા અંગેનો પ્રચાર કરવામાં આવતો રહ્યો છે. એવામાં મુસ્લિમ જ્યાં સુધી દેશથી બહાર છે ત્યાં સુધી તો પ્રેમ પણ દેશની અંદર મુસ્લિમો અપમાનની પ્રવૃત્તિ ઘાતક છે.
થરૂરે આ નિવેદન યુએઈની રાજકુમારી, કુવૈત સરકાર અને જુદા જુદા અરબ દેશોની પ્રસિદ્ધ હસ્તીઓ દ્વારા કરાયેલી આકરી પ્રતિક્રિયા પર આપ્યું હતું. ધ્યાન રહે કે તબલીગી જમાતના કારણે કોરોના કેસમાં વધારાના અહેવાલ પછી દેશના અલગ અલગ ભાગોમાં મુસ્લિમોને મહામારી ફેલાવવાના દોષિત ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. તેના પર ૫૭ મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપેરશન (ઓઆઈસી)એ ભારત પર ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.