(એજન્સી) તા.ર
ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં ગણતંત્ર દિવસના અવસર પર થયેલી સાંપ્રદાયિક હિંસાનું પ્રકરણ અત્યારે સંપૂર્ણ રીતે શાંત નથી થયો ત્યારે ૩૦ જાન્યુઆરી મંગળવારના દિવસે કર્ણાટકના બિદરના મુસ્લિમ વિસ્તારમાં બળજબરીથી સરઘસ નીકાળવાના પ્રયત્નમાં લાગેલા ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે પોલીસ દ્વારા કરવામાં આવેલા આ લાઠીચાર્જમાં ૧૦ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં કથિત રીતે એક ર૦ વર્ષીય વિદ્યાર્થિની હત્યા કરી દેવામાં આવી હતી અને પ્રદર્શનકારીઓ આ હત્યાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારમાંથી સરઘસ નીકળી રહ્યા હતા. આ સરઘસની આગેવાની સ્થાનિક સાંસદ ભગવંત ખુબા કરી રહ્યા હતા. જેમના આદેશને લીધે ભગવા કાર્યકરો જૂથોમાં વિભાજિત થઈને જૂના બિદર વિસ્તારમાં સરઘસ નીકળવા પહોંચ્યા હતા. આ દરમ્યાન પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા પહેલાંં આંબેડકર સર્કલમાં પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે પ્રદર્શનકારીઓ દ્વારા જૂના બિદર વિસ્તારમાં સરઘસ નીકળ્યું ત્યારે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ દ્વારા મુસ્લિમ વિસ્તારમાંથી જુલૂસ નીકળવાની માગણી કરવામાં આવી હતી. જેને પોલીસ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.
પ્રદર્શનકારીઓ દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપીને માગણી કરવામાં આવી હતી કે જે છોકરીની હત્યા કરવામાં આવી છે તેના પરિવારને રપ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે અને આ કેસની ન્યાયિક તપાસ કરાવવામાં આવે.
પોલીસે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને પ્રદર્શનકારીઓને હટાવવા માટે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસના લાઠીચાર્જ પછી આ વિસ્તારમાં તણાવયુક્ત વાતાવરણ છે. પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લાના ભાલકી તાલુકાની એક વિદ્યાર્થિનીને તેના પ્રેમી દ્વારા તરછોડી દીધા પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાને આરોપ તેના પ્રેમી અને તેના પાડોશી શમસુદ્દીન ઉપર છે. શમ્સુદ્દીન દ્વારા પોલીસ સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં ગણતંત્ર દિવસે તિરંગા યાત્રા દરમ્યાન બે જૂથો વચ્ચે હિંસા થઈ ગઈ હતી. આ હિંસામાં રર વર્ષીય ચંદન ગુપ્તા નામના યુવકનું મૃત્યુ થયું હતું અને અકરમ નામના એક યુવકની આંખ ફોડી નાંખવામાં આવી હતી.