(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈકે કાસગંજમાં થયેલી કોમી હિંસાને રાજ્ય પરના ‘કલંક’ સમાન ગણાવ્યા બાદ હવે બરેલીના જિલ્લાધ્યક્ષ (ડી.એમ.) રાઘવેન્દ્ર વિક્રમસિંઘે કરેલી ફેસબુક પોસ્ટે જોર પકડ્યું છે. તેમની આ પોસ્ટને લોકોએ વધાવી લીધી છે. ડી.એમ. દ્વારા ર૮ જાન્યુઆરીએ કરવામાં આવેલી આ ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘‘એક વિચિત્ર રિવાજ બની ગયો છે. મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્તી જુલૂસ લઈ જાઓ અને પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરો. કેમ ભાઈ, શું તેઓ પાકિસ્તાની છે ? આ અહીંયા બરેલીમાં ખૈલમમાં બન્યું હતું. ત્યારબાદ પથ્થરમારો થયો અને એફઆઈઆર દાખલ કરવામાં આવી. આ સાથે જ ડી.એમે. બીજી પોસ્ટ પણ કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘‘ચીન તો મોટું દુશ્મન છે તો ત્રિરંગો લઈને ચીન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કેમ નથી કરવામાં આવતા ?’’ તેમ છતાંય તેમનું માનવું છે કે આ તેમનો અંગત વિચાર છે.
તેમણે કરેલી આ ફેસબુક પોસ્ટને એક કલાકમાં ૩૦૦ લાઈક મળી હતી અને લોકોએ તેમણે કરેલા રિવાજ અંગેના પ્રશ્નને પણ વધાવી લીધો હતો. તેમણે ર૯ જાન્યુઆરીના રોજ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રવાદના નામે અંજામ અપાતી આવી ઘટનાઓથી ખૂબ જ ઉદાસ અને ક્રોધિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેમની આ પોસ્ટ બાદ તેઓ ‘હીરો’ બની ગયા છે અને તેમણે કરેલા ‘ભયાનક રિવાજ’ અંગેના પ્રશ્ન સાથે કેટલાય લોકો સહમત થયા છે. ડી.એમ. રાઘવેન્દ્ર વિક્રમસિંઘને કાસગંજમાં થયેલા રમખાણો બાદ યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કાસગંજના પોલીસ અધિક્ષક સુનિલકુમારસિંઘની બદલી કરવામાં આવી તે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આ એક નાની ઘટના હતી, પરંતુ જુઓ તેની અસરો કેટલી મોટી થઈ રહી છે. આ ઘટનાને કારણે ચાલી રહેલા વિકાસલક્ષી કામો પર અસરો પેદા થઈ રહી છે.
ઉત્તરપ્રદેશના નાણામંત્રી અને બરેલી શહેરના એમ.એલ.એ. રાજેશ અગ્રવાલને જ્યારે સિંઘની પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, મેં તેમની આ પોસ્ટ વાંચી નથી, પરંતુ એક પૂર્વ લશ્કરી અધિકારી તરીકે ધ્યાનમાં લેતાં હું એટલું કહી શકું કે તેઓ કયારેય આપણા દેશ વિરૂદ્ધ અથવા તો પાકિસ્તાનની તરફેણમાં કોઈ પણ નિવેદન આપશે નહીં.
ર૬મી જાન્યુઆરીની સવારે કાસગંજમાં એબીવીપી અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા બાઈક પર ‘ત્રિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તેઓ આ ત્રિરંગો લઈને જુલૂસની સાથે બાદુનગરના મુસ્લિમ વિસ્તારોમાં પહોંચ્યા તો કેટલાક તોફાની તત્ત્વો દ્વારા પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબારમાં બે યુવાનો ચંદન અને નૌશાદ ઘાયલ થયા હતા. જો કે, થોડા સમય બાદ ચંદનનું મોત નિપજ્યું હતું. આ હિંસા બાદ અત્યાર સુધીમાં ૧૧ર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
કાસગંજમાં ભડકી ઉઠેલી હિંસા બાદ ર૯ જાન્યુઆરીએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુરક્ષા દળોએ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ વિસ્તાર પર હવાઈ નિરીક્ષણ કરવા માટે ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે, તેમ યુપી પોલીસે જણાવ્યું હતું.
કાસગંજમાં ‘મૃત’ જાહેર કરાયેલ યુવક બોલી ઉઠ્યો ‘હિંસા ફેલાવવા લોકો મારો ઉપયોગ કરી રહ્યા હતા’’


ર૪ વર્ષીય રાહુલ ઉપાધ્યાય કાસગંજમાં કોતવાલી પોલીસ સ્ટેશનમાં હાજર હતો. એમણે એમની મૃત્યુ બાબત પ્રશ્ન પૂછતા લખ્યું હું તમને ખાતરી આપું છું. હું જીવીત છું. અમુક તોફાની તત્ત્વોએ સોશ્યલ મીડિયા ઉપર રાહુલના મૃત્યુના સમાચારો વહેતા કર્યા હતા. આ પછી રાહુલ ઉપર સતત ફોનો આવી રહ્યા હતા. રાહુલ ફોન ઉપર પોતાના મૃત્યુના સમાચારો સાંંભળી ચોંકી ઉઠ્યો હતો. એમને થયું કે કોઈ મશ્કરી કરી રહ્યું હશે પણ એના પછી ઘણા બધા ફોનો આવ્યા હતા ત્યારે મને થયું કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા રાહુલ ઉપાધ્યાય તે વખતે પોતાના ઘર અલીગઢમાં આવેલ ગામ નગલાખાનજીમાં હતો ઘણા બધા લોકોએ એની મૃત્યુના ફોટાઓ પણ મોકલ્યા. રાહુલે કહ્યું ત્યારે મને ખ્યાલ આવી ગયું કે લોકો હિંસા અને રમખાણો ફેલાવવા માટે મારી મૃત્યુના ખોટા સમાચારો ફેલાવી રહ્યા છે અને કહેવાઈ રહ્યું છે કે હિન્દુઓને મારવામાં આવી રહ્યું છે. હું તરત પોલીસ સ્ટેશને પહોંચ્યો અને બધી હકીકતો જણાવી અલીગઢના ૈંય્ સંજીવ ગુપ્તાએ રાહુલને સલાહ આપી કે એ મીડિયાથી વધુમાં વધુ સંપર્ક કરે અને હકીકતો જણાવે. આઈ.જી.એ પત્રકારોને જણાવ્યું કે, સોશ્યલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જે ખરૂ નથી. રાહુલ ઉપાધ્યાય જીવીત છે. એમણે વધુમાં જણાવ્યું કે, અમને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે અમને માહિતી મળી કે જ્યાં હિંસા થઈ હતી ત્યાં આ નામની કોઈ વ્યક્તિ રહેતી જ નથી. અમુક લોકો અફવાઓ ફેલાવી રમખાણો ફેલાવવા પ્રયાસો કરી રહ્યા છે. રાહુલના જીવીત હોવાના સમાચારો વહેતા થયા પછી લોકો રાહુલને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. અમુક લોકો એને પ્રસિદ્ધ થવા બદલ અભિનંદન આપતા હતા. એક સ્થાનિય નેતાએ સલાહ આપી કે તમે હવે પ્રસિદ્ધ થયા છો તો અન્ય લોકો માટે પણ કાર્ય કરી શાંતિનો સંદેશ આપી શકો છો. જેના ઉત્તરમાં રાહુલે પૂછયું હું આ રીતે પ્રસિદ્ધ થવા ઈચ્છતો નથી.
કાસગંજ હિંસાની વિરૂદ્ધ જામિયાના
વિદ્યાર્થીઓએ વિરોધ કૂચ યોજી

કાસગંજ હિંસામાં વહીવટી તંત્રની ભૂમિકા અને ભગવાધારી આતંકવાદી સંગઠનો દ્વારા હિંસા ફેલાવવાને લઈને સમગ્ર દેશમાં યોગી સરકાર વિરૂદ્ધ ધિક્કારની લાગણી છે. શાંતિપ્રિય રાજનૈતિક અને સામાજિક સંગઠનોની તરફથી આવી ઘટનાઓનો હંમેશા વિરોધ કરવામાં આવે છે અને સરકારોને જાગૃત કરવા અને જનતામાં વિષ ઘોળતા રોકવા માટે પણ તાકીદ કરવામાં આવે છે. પરંતુ આ પછી પણ કોઈ પરિણામ મળતું નથી. કાસગંજ ઘટનાને લઈને દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાન જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓએ વિરોધ માર્ચનું આયોજન સોમવારના દિવસે કર્યું હતું. આ વિરોધ માર્ચમાં યોગી સરકાર તરફથી હિંસાખોરોને આપવામાં આવતું આપરાધિક સમર્થન અને ભગવા ગુંડાગર્દીની આડમાં રાષ્ટ્રીય તહેવારોને રોકવા માટે કરવામાં આવતા પ્રયત્નોનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિશે એક વિદ્યાર્થી મિશન હૈદરે કહ્યું હતું કે હવે આનાથી વધીને શું વાત હોઈ શકે કે મુસલમાનોને દેશના રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસની ઉજવણી કરતાં પણ રોકવામાં આવે છે. ભગવાના નશામાં ચૂર કહેવાતા દેશભક્તોએ આસ્થામાં ડૂબેલા સાચા દેશભક્તોને હિંસા માટે નિશાન બનાવવામાં આવ્યા અને આ ઉપરાંત રાષ્ટ્રીય ધ્વજનું પણ અપમાન કરવામાં આવ્યું. એક અત્યાચાર આ પણ થયું કે જેમના ઘરને લૂંટીને બાળવામાં આવ્યા તેમની વિરૂદ્ધ જ રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમના જ વિસ્તારોમાં કરફ્યુ પણ લગાવવામાં આવ્યો. મીશન હૈદરે આમ પણ કહ્યું કે અમારી સાંત્વના મૃત્યુ પામનાર ચંદનકુમાર સાથે પણ છે કારણ કે એ પણ કોઈ માંનો દીકરો હતો પરંતુ પ્રશ્ન આ પણ થાય છે કે તેને કોના દ્વારા ગોળી મારવામાં આવી હતી એની તપાસ થવી જોઈએ અને સાથે સાથે જે નવયુવાન મોહમ્મદ અકરમની આંખો જતી રહી છે અમે તેની તરફ પણ સાંત્વનાનો એકરાર કરીએ છીએ અને આ બધા વચ્ચે પ્રશ્ન કરવા માંગીએ છીએ કે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ હિંસાખોરો સાથે હુમલાવર થઈ ગઈ છે.

કાસગંજનું સત્ય બતાવવા બદલ ABP ચેનલના પત્રકારને જાનથી મારવાની અને પુત્રીનું અપહરણ કરવાની ધમકી

કાસગંજમાં તિરંગા યાત્રાની મંજૂરી ન હોવા છતાં યાત્રા નીકળી હતી તેવા અહેવાલો પ્રગટ કરનાર એબીપી ન્યૂઝના રિપોર્ટર પંકજ ઝાને લગાતાર ધમકીઓ મળી રહી છે. ન્યૂઝ ચેનલનું કહેવું છે કે, તિરંગા યાત્રામાં સામેલ નૌજવાન ત્યાં ઉપસ્થિત બીજા સમુદાયના લોકોને જબરજસ્તીથી સૂત્રો પોકારવાની વાત કરી રહ્યા હતા. તે દૃશ્ય ચેનલ પર બતાવ્યા બાદ ચેનલના પત્રકારને ધમકી મળી રહી છે. એક ટ્‌વીટ કરી તેણે કહ્યું કે તેમને ગાળો બોલવામાં આવી છે. અજ્ઞાત લોકોએ તેમના મોબાઈલ પર ગાળો બોલી પુત્રીના અપહરણની ધમકીઓ આપી હતી તેમજ તેને જાનથી મારવાની ધમકી આપી હતી.
કાસગંજની હિંસા ભાજપ
પ્રેરિત : પૂર્વ DIG ઉ.પ્ર. પોલીસ
કાસગંજમાં થયેલ કોમી રમખાણોએ પૂર્વ આયોજિત હતા. જે બનેલ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે. આ દિવસે અર્થાત ર૬મી જાન્યુઆરીના દિવસે મુસ્લિમોએ અબ્દુલ મજીદ ચોક ઉપર મીટિંગ યોજી હતી. એ જ સમયે લગભગ ૧૦૦ જેટલા યુવાનો જે હિન્દુ યુવા વાહિની, એબીવીપી અને આરએસએસ સાથે જોડાયેલ હતા એ બાઈકો ઉપર સરઘસાકારે ધસી આવ્યા. એમની પાસે તિરંગો ધ્વજ અને ભાજપનો ધ્વજ હતો. એ સાથે તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એ યુવકોએ મુસ્લિમોને જણાવ્યું કે એ તિરંગા ધ્વજના સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવે. આ તબક્કે મુસ્લિમોએ યુવાઓને વિનંતી કરી કે એ અન્ય રસ્તા ઉપર જઈ સરઘસ કાઢે પણ એમની વિનંતીને ઠુકરાવી યુવકોએ મુસ્લિમો દ્વારા બનાવેલ રંગોલીને પણ બાઈકોથી બગાડી નાંખ્યું.
આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. દરમિયાનમાં રેલી કાઢેલ યુવાઓ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જેમ કે જો તમને ભારતમાં રહેવું હોય તો તમને વંદેમાતરમ્‌ બોલવું પડશે. અને મુલ્લાઓ માટે એક જ સ્થળ છે પાકિસ્તાન અથવા કબ્રસ્તાન. એના લીધે સંઘર્ષ વધી ગયું અને બંને પક્ષો દ્વારા પથ્થરમારો અને ગોળીબારો શરૂ થઈ ગયા જેમાં એક યુવકનું મૃત્યુ થયું અને અન્ય યુવકો ઈજાગ્રસ્ત થયા. એ પછી તોફાનીઓએ બસ, ટ્રેક્ટર અને એક સ્ટોલ સળગાવ્યું. નોંધનીય બાબત છે કે તિરંગા માર્ચ કાઢવા માટે કોઈ પ્રકારની પરવાનગી મેળવાઈ ન હતી. આ ઘટના પછી ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો. બીજા દિવસે મૃત્યુ પામેલ યુવકના અંતિમ સંસ્કાર પછી ભાજપના સાંસદે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું. એમણે કહ્યું અમે યુવકની મૃત્યુને ભૂલી શકીશું નહીં. એમના ભાષણ પછી ભારે પોલીસની હાજરી હોવા છતાંય ફરીથી તોફાનો ભડક્યા હતા. જેમાં મુસ્લિમોની ૬ દુકાનો, એક ઘરને બાળી નંખાયું. નોંધનીય બાબત છે કે પોલીસની હાજરી છતાં મુસ્લિમોના ઘરો, દુકાનો, વાહનો કઈ રીતે સળગાવવામાં આવ્યા. પોલીસની હાજરીમાં હિંસા થાય એ બાબત નોંધનીય છે જેથી પોલીસ સામે પણ શંકાઓ ઊભી થાય છે. એ સ્પષ્ટ છે કે આ પ્રકારની ઘટનાઓ ભાજપની રમખાણ નીતિઓનું જ પરિણામ છે.