(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધતી જતા સરકાર માટેનો ચિંતાજનક બાબત છે જ પરંતુ મુસ્લિમ સમાજે વધારે ચિંતા કરવાની અને સમજવાની જરૂર છે. કારણ કે મોટાભાગના કેસો મુસ્લિમ બહુમતી વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે. આથી જો મુસ્લિમ સમાજ હજી પણ ગંભીર નહીં બને તો આગામી રમઝાન માસમાં થોડા લોકોની બેદરકારીને લીધે આખા સમાજે ભોગવવાનો વારો આવી શકે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત મોટા શહેરોમાં કોરોના પોઝિટીવના જે કેસો નોંધાયા છે તેમાં મોટાભાગે મુસ્લિમ બહુમતી વિસ્તાર છે કે જ્યાં લોકો હજીપણ આ મહામારી પ્રત્યે જોઈએ તેટલા ગંભીર નથી. લોકો કોઈને કોઈ બહાને બહાર નીકળી જાય છે કાં તો ચાલી, મહોલ્લા, સોસાયટી, પોળ વગેરેમાં ટોળા વળી, ગપ્પા મારવા કે ફાલતું કામોમાં સમય પસાર કરી રહ્યા છે. ખરેખર તો આ મહામારીને અલ્લાહનો અઝાબ માની ગુનાહોથી તોબા કરી અલ્લાહને રાજી કરવાના પ્રયત્નોમાં લાગી જવું જોઈએ. આ એક અમૂલ્ય તક મળી છે ત્યારે નમાઝ સહિતની ઈબાદતની પાબંદી કરી શકાય તેમ છે. આપણા બુઝુર્ગો અને સુફી સંતો ૪૦-૪૦ દિવસના ચિલ્લાં કરતાં હતા ત્યારે લોકડાઉનના ૪૦ દિવસ ઘરમાં રહેવાનો મોકો મળ્યો છે તેનો મુસ્લિમો ઈબાદતમાં સમય પસાર કરી સદ્‌ઉપયો કરવો જોઈએ. રોજીની ચિંતા કરી તંત્રને ગાળો ભાંડવાથી બિમારી દૂર થવાની નથી. લોકડાઉન એ આપણા ભલા માટે જ છે. ઘરમાં રહીશું તો જ કોરોનાને બહાર કરી શકીશું. આથી આ સમયે ઈબાદત કરી અલ્લાહને રાજી કરીશું તો બિમારી સામે ઢાલ બની ઊભા રહી શકીશું અને અલ્લાહ ગેબથી રોજીના એવા દરવાજા ખોલી દેશે તે આપણી કલ્પનામાં પણ નહીં હોય. આથી હજીપણ સમય છે દરેકે દરેક મુસલમાન શાંતિથી વિચારે અને ઘરમાં રહી ઈબાદત કરે અને જો નાના મકાનમાં મોટા પરિવાર સાથે એક ઘરમાં આખો દિવસ રહેવું શકય ન હોય તો ઘરની બહાર પણ સેલ્ફ ડિસ્ટન્સિંગનો અમલ કરી બેઠા બેઠા તસ્બીહ પઢે અને નવરાં લોકોથી બચતા રહે અને ગપ્પા મારવા આવનારને પણ ઈબાદત કરવા સમજાવે તો સમાજમાં જાગૃતિ આવતી જશે, લોકો કોરોનાને ગંભીરતાથી લેતા થશે. બાકી રોજના ૧૦૦થી ૧પ૦ રૂપિયાના મસાલા મોઢામાં ખોસી જ્યાં ત્યાં પિચકારીઓ મારી ગુનાહોમાં સમય પસાર કરી રોજીના રોદડા રોયા કરીશું તો દુનિયા અને આખેરત બંને બરબાદ થશે અને ઘરમાં રહી આ જ સમય ઈબાદતમાં પસાર કરીશું તો અલ્લાહ ચોક્કસ રાજી થશે અને કોરોના તો શું ગમે તેવી મહામારી સામે આપણને લડવાની ગેબથી અલ્લાહની મદદ મળશે અને આપણી દુનિયા અને આખેરત બંને સુધરી જશે.