(એજન્સી) રોમ, તા.૧૮
અગ્રણી મુસ્લિમ સંગઠનો સાથે સમજૂતી કર્યા પછી કોરોના વાયરસ લોકડાઉનના નિયંત્રણો હળવા કરવાના ભાગરૂપે ઈટાલિયન સરકારે મસ્જિદો અને ઈસ્લામિક સેન્ટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. ઈટાલીમાં આજથી એટલે કે ૧૮ મેથી કેથોલિક ચર્ચો સહિત બધા ધર્મસ્થાનો ખૂલી જશે. જો કે, ધાર્મિક સ્થળની વહીવટી સમિતિએ સામાજિક અંતર અને સેનિટાઈઝેશન જેવા નિયમોનું પાલન કરાવવું પડશે. વડાપ્રધાન કાર્યાલય ખાતે યોજાયેલા એક સત્તાવાર કાર્યક્રમમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૯ માર્ચના રોજ લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પગલે ઈટાલીની બધી મસ્જિદો બંધ કરી દેવામાં આવી હતી. આ ઈટાલિયન સરકારે મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે કરેલી પ્રથમ સમજૂતી હોવાથી તેને સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે. પાકિસ્તાની સેનિગલિઝ અને બંગાળી સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવતા ઈટાલિયન મુસ્લિમ સંગઠનોએ આ સમજૂતીને વધાવી હતી. જો કે, યુનિયન ઓફ ઈસ્લામિક કોમ્યુનિટીઝ ઈન ઈટાલીના પ્રમુખ યાસીન લાફરામે ઈટાલીના વડાપ્રધાન ગ્લુસેપ્પે કોન્તેને જણાવ્યું હતું કે, સમજૂતી હોવા છતાં ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે મસ્જિદો બંધ રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, હાલના સમયમાં સચેત રહેવું વધારે સારું છે કારણ કે, કોરોના વાયરસ જીવલેણ છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં અમે ફરી ભેગા મળીશું.