(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
મુસ્લિમ સમુદાયના કબ્રસ્તાનની માલિકી રાજદેવ જનસેવા ટ્રસ્ટને મળતાં જૂના ભોપાલમાં તંગદિલી સર્જાઈ હતી. ગત ગુરૂવારે સ્થાનિક લોકોએ બાંધકામ પર સ્ટે મૂકવા વકફ બોર્ડના દરવાજા ખખડાવ્યા હતા અને વિરોધમાં દુકાનો બંધ રાખી હતી. વકફ ટ્રિબ્યુનલે શનિવારે આ જગ્યાના માલિકી હક અંગે સુનાવણી હાથ ધરી હતી. આ ઘટનાક્રમને પગલે વિસ્તારમાં મોડી સંખ્યામાં પોલીસ દળની તહેનાતી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજદેવ જનસેવા ટ્રસ્ટ એક એનજીઓ છે, જેના ઘણાં સભ્યો અને ટ્રસ્ટીઓ ભાજપ અને વિહિપના નેતા છે. ટ્રસ્ટીઓ હવે આડસ માટે એક મોટી દિવાલ ઊભી કરી સામુદાયિક હોલ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. તંગદિલીના પગલે ક્ષેત્રમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી તેમજ આસપાસના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગત રવિવારે કરફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. સોમવારે કરફ્યૂ ઉઠાવી લેવામાં આવ્યો હતો પણ પ્રતિબંધ હોવા છતાં વિસ્તારમાં અને વિવાદાસ્પદ સ્થળે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. ટ્રસ્ટના ઉપ પ્રમુખ પિતાંમ્બર રાજદેવે જણાવ્યું હતું કે, સિંધી કોલોની સ્થાપનાર ટ્રસ્ટ હવે આ વિવાદાસ્પદ સ્થળે હોલ બનાવશે. આ ટ્રસ્ટમાં ૧૫ સભ્યો છે જેમાંથી મોટા ભાગના ભાજપ, વિહિપ અને આરએસએસમાં હોદ્દા ધરાવે છે. પિતામ્બર રાજદેવ વિહિપના પ્રાંત પ્રમુખ પણ છે. તેમણે દાવો કર્યો હતો કે, આ એક સ્વતંત્ર સંસ્થા છે જે લોક કલ્યાણ માટે કામ કરે છે. મધ્યપ્રદેશ વકફ બોર્ડના વકીલ સરવત શરીફ ખાને જણાવ્યું હતું કે ટ્રસ્ટે ગેરકાયદેસર રીતે જિલ્લા તંત્ર સાથે મળી આ વિવાદાસ્પદ જમીન પર કબ્જો મેળવ્યો હતો.