(એજન્સી) કોલકાતા, તા.૯
ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની મૂર્તિ પર કાળક લગાવવામાં આવી હતી. એટલું જ નહીં મૂર્તિને તોડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ભાજપે ગુરૂવારે પ્રતિમાને દૂધથી સ્નાન કરાવી શુદ્ધિકરણની ઘોષણા કરી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ભાજપ કાર્યકર્તા જ્યારે મૂર્તિને દૂધથી સ્નાન કરાવવા પહોંચ્યા ત્યારે બોલાચાલી થઈ હતી અને લોકોએ ભાજપ કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. ભાજપના બે કાર્યકર્તાઓની હાલત ગંભીર દર્શાવવામાં આવી રહી છે. ભાજપનો આરોપ છે કે, પક્ષના વધતા જનાધારથી ગભરાયેલ તૃણમૂલ કોંગ્રેસ સીપીઆઈ(એમ)ની જેમ હિંસાની રાજનીતિ પર ઉતરી પડી છે. જો કે તૃણમૂલ કોંગ્રેસની સ્થાનિક કાર્યકર્તા માલા રાયએ ઘટના સાથે તેમના પક્ષનો કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે આરોપ મૂક્યો કે, સરકારી જમીન પરવાનગી વિના ભાજપના લોકો હિંસા ફેલાવવા ગયા હતા. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો.
નોંધનીય છે કે, બુધવારે જાદવપુર વિશ્વવિદ્યાલયના પાંચ પૂર્વ વિદ્યાર્થીઓએ ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાના વિરોધમાં શ્યામા પ્રસાદ મુખરજીની મૂર્તિ પર કાળક લગાવી તોડફોડ કરી હતી. જેની વિરૂદ્ધ મૂર્તિને પવિત્ર કરવા તેમજ કાળક લૂંછવા દૂધનો કળશ લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના નેતૃત્વમાં પ્રદેશના અનેક નેતા કેવડાતલ્લા મહા સ્મશાન ઘાટ માટે રવાના થયા હતા. ભારે પોલીસ બળએ રાસ બિહારીમાં તેમને રોક્યા હતા. પોલીસ અને ભાજપ વચ્ચેના સંઘર્ષ દરમિયાન કેટલાક સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોને જોઈ તેઓ ભડકી ઉઠ્યા અને તેમને માર મારવાનું શરૂ કર્યું. સ્વબચાવ કરવા ઘટનાસ્થળેથી ભાગી રહેલા કાર્યકર્તાઓને પણ દોડાવી-દોડાવીને માર્યા. તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દે પોતાનો હાથ હોવાનો ઈન્કાર કરતા કહ્યું છે કે, જે દોષી હશે તેની વિરૂદ્ધ કાર્યવાહી થશે.