૧૦ દુકાનો તથા એક સિનેમાગૃહનું વેચાણ દસ્તાવેજ કરાવી લઈ નાણાં ન ચૂકવ્યા

નડિયાદ, તા.૧૬
રાજકોટના ભેજાબાજ ઈસમોએ મૂળ કઠલાલના અને હાલ મુંબઈ રહેતા શખ્સની કઠલાલમાં બનાવાયેલ ૧૦ દુકાનો તથા એક સિનેમાગૃહનું વેચાણ દસ્તાવેજ બનાવી ૧.ર૭ કરોડ ન આપતા મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ કઠલાલના સોનીવાડના રહેવાસી અને મુંબઈ ખાતે રહેતા આશિષ કિરણભાઈ પંચાલે વર્ષ ર૦૧૭માં પોતાની જમીન પર મોલ બનાવ્યો હતો. જેમાં ૧૦ દુકાનો અને એક સિનેમાગૃહ વેચવા કાઢ્યા હતા, જે અંગે તેમણે ભવાન દરજીને વાત કરતા તેણે આ અંગે રાજકોટમાં રહેતા રાજુભાઈ ઉર્ફે શાભાઈ પટેલ તેમજ જયસ્વાલ નામના વકીલ સાથે આશિષભાઈની મીટિંગ કરાઈ હતી, જે અંગે આશિષભાઈને ચોટીલા બોલાવ્યા હતા. જેથી આશિષભાઈ તેમની દુકાનના વહીવટકર્તા અજગરભાઈ રાઠોડને લઈને ગયા હતા. જેમાં ૧૦ દુકાનના ૬૧.૯૬ લાખ અને સિનેમાગૃહની ૮૬ લાખ કિંમત નક્કી કરી સોદો ડન કર્યો હતો. રાજુભાઈ પટેલ રાજકોટના મિનલબા વિરેન્દ્ર સોલંકી, હરેશ ભાનુભાઈ છૈયા તથા જયસ્વાલ વકીલ સાથે કઠલાલ આવ્યા હતા. અમે દુકાનો મિનલબાના ગામે સિનેમાગૃહ હરેશભાઈના નામે વેચાણ દસ્તાવેજ કર્યા હતા, જ્યારે નાણાંની વાત કરતા ગાડી આવે છે. એમ કહીં સ્ટેમ્પ પેપરના ૭,રપ,૭૦૦ તમારે આપવા પડશે. ગાડી આવે એટલે આપી દઈશ. ઘણીવાર સુધી રાહ જોઈ રાજકોટથી ગાડી આવી નથી અને રસ્તામાં બગડી ગઈ છે તેવું બહાનું કાઢી રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની નોંધણી કરાવી કેમેરા સામે અવેજ મળ્યાની કબૂલાત કરી લીધી હતી. જો કે, ગાડી ના આવતા અમે આરોપીઓનો ફોન સ્વીચ ઓફ આવતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેઓએ મામલતદાર તેમજ સિટી સર્વે કચેરીમાં દસ્તાવેજની એન્ટ્રી ન પડે તે માટે વાંધા અરજી આપી કપડવંજ સિવિલ કોર્ટમાં દસ્તાવેજ રદ્દ બાબતે દાવો કર્યો હતો, જે હાલમાં ચાલે છે. આ બાબતે તેમને જિલ્લા કલેક્ટરની સીટ વિભાગમાં અરજી કરી હતી તથા જિલ્લા પોલીસ અધિક્ષકને પણ અરજી કરી હતી. તેમની તપાસમાં ગુનો બનતો હોવાનું લાગતા પોલીસે મિનલબા વિરેન્દ્ર સોલંકી, હરેશ ભાનુભાઈ છૈયા, રાજુભાઈ ઉર્ફે શાભાઈ પટેલ (ત્રણેય રહે. રાજકોટ) તેમજ જયસ્વાલ વકીલ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.