(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.૮
દહેજની કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવ્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવા ઉપરાંત મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર માટે માંગ કરી આગામી દિવસોમાં આવી ઘટનાનો પુનરાવર્તન ના થાય તે માટે નિયમોનું સખત પાલન કરાવવા રજૂઆત કરી હતી.
વાગરા અને ભરૂચના ધારાસભ્યએ પ્રથમ કામદારોનાં મોત અંગે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારબાદ એક વીડિયો વાયરલ થતાં રાજ્ય સભાના સભ્ય અહમદભાઈ પટેલે સરકારને આડે હાથે લેતા બ્લાસ્ટ બાદ કામદારોની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટની ઘટના એ જિલ્લામાં ભારે ચર્ચા સાથે સુરક્ષાના મામલે પ્રશ્નાર્થ ઊભા કરતા હવે સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે સખત પગલાં ભરી એક મિસાલ કાયમ કરવા માટે માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દહેજની કંપનીમાં બ્લાસ્ટમાં મોતને ભેટેલા કામદારોને યોગ્ય વળતર ઉપરાંત જવાબદારો સામે સખત કાર્યવાહી માટે માંગ કરી છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર, જંબુસર ધારાસભ્યો સંજયભાઈ સોલંકી, સંદીપ માંગરોલા મગન માસ્ટર સહિત અન્ય કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.