અમરેલી તા.૨૭
અમરેલીના ગઢની રાંગ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર બાદ રાજકોટ ખાતે મોત નિપજતા આ ઘટનામાં યુવાનની હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું મૃતકના ભાઈએ તેના ભાઈને કોઈ અજાણ્યા ઈસમે હથિયાર વડે માથાના ભાગે અને સાથળના ભાગે મારમારી હત્યા કરી હોવાની ફરિયાદ અમરેલી સિટી પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના જુમ્મા મસ્જિદ પાસે મંગળવાર રાત્રીના એક અજાણ્યો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ તેને અમરેલી સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા ત્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. અમરેલી પોલીસે આ બનાવ અંગે અજાણ્યા યુવાન અંગેની તપાસ કરતા તે રાજકોટમાં જ રહેતો મયુર દિનેશભાઇ સાકરીયા જાતે લુહાણા ઉવ-૨૮નો હોવાનું ખુલ્યું હતું. મૃતકના ફોનમાંથી તેના મોટાભાઈ જામનગર ખાતે રહેતા દીક્ષિતભાઈ દિનેશનો મોબાઈલ નંબર મળી આવતા તેને જાણ કરી હતી અને તેઓએ રાજકોટ ખાતે આવી તેના ભાઈની લાશ ઓળખી બતાવી હતી.
આ અંગે અમરેલી સીટી પોલીસને દીક્ષિતભાઈ સાકરીયા એ ફરિયાદ લખાવી હતી કે તેનો ભાઈ મયૂરનો મિત્ર ભાવેશ ગોંડલિયા મળતા તેણે જણાવ્યું હતું કે મયુર તેના મિત્ર બિલાલ સાથે અમરેલી ગયેલ છે અને મયુર જુમ્મા મસ્જિદ પાસે કોઈ કામ અર્થે આવતા તેને કોઈ અજાણ્યા ઈસમે હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે તેમજ સાથળના ભાગે ઈજા કરી હત્યા કરી દીધી હોવાની અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા સિટી પીઆઇ ખેર દ્વારા હત્યાં શા માટે અને કોણે કરી છે તે બાબે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, તેનો ભાઈ મયુર ચાર વર્ષથી અલગ રહેતો હતો અને ચાર મહિનાથી રાજકોટ રહેતો હતો અને છૂટક કામ કરતો હોવાનું જણાવ્યું હતું.