(એજન્સી) જયપુર, તા.૧૮
ટેકનિકલ રીતે અસ્તિત્વ ન ધરાવતા એક કેસમાં રાજસ્થાન પોલીસની ટીમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાને પકડવા માટે અમદાવાદ આવી હતી. રાજસ્થાન સરકારે ૩ વર્ષ પહેલાં પ્રવીણ તોગડિયા સામે કેસ પાછો ખેંચી લીધો હતો. પરંતુ કેસ પાછો ખેંચી લેવાનો હુકમ કોર્ટ સુધી અધિકારીઓએ પહોંચાડ્યો ન હતો. બીજી તરફ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારબાદ તોગડિયા સામે ધરપકડ વોરંટ નીકળ્યું હતું. મંગળવારે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રાજસ્થાન પોલીસ તોગડિયાની ધરપકડ કરવા માટે ગુજરાત આવી ત્યારબાદ તોગડિયાએ પોલીસ સામે તેમની હત્યા કરવાની યોજનાનો આરોપ લગાવ્યો. લાલચોળ બનેલી સરકારને અંતે ખબર પડી કે તેઓ ડેડ કેસમાં કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે આ ચકચારભર્યા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
આ કેસ ર૦૦રનો છે. સવાઈ માધોપુર પોલીસે ૧૪૪ની કલમના ભંગ બદલ તોગડિયા અને બીજા ૧૬ લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં દાખલ થયા બાદ વારંવાર તોગડિયા સામે સમન્સ નીકળ્યા હતા. ત્યારબાદ ર૦૧પમાં ભાજપ સરકાર સત્તા પર આવતા તોગડિયા સામે કેસ પાછો ખેંચાયો હતો.
ભરતપુર રેન્જના આઈજી આલોક કુમારે કહ્યું કે, કેસ પાછો ખેંચ્યા બાદ રાજ્ય સરકારે ૯ જૂન ર૦૧પમાં એક પત્ર જિલ્લા અધિકારીને મોકલ્યો હતો. પરંતુ તે કોર્ટમાં કોઈપણ રીતે પહોંચી શક્યો ન હતો. આ એક કોમ્યુનિકેશન ગેમ હતી. કલેક્ટર કૈલાશચંદ વર્માએ કહ્યું કે, કેસ પરત ખેંચવાનો પત્ર ડીએસપીને સંબોધીને લખાયો હતો. તેથી તેમણે આ મુદ્દે કાર્યવાહી કરવાની હતી. પોલીસ વડા મનનસિંગ યાદવે કહ્યું કે, આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે. વધારાના પોલીસ વડા યોગેન્દ્ર ફોઝદારે કહ્યું કે, આગામી સુનાવણી વખતે કોર્ટને જાણ કરાશે. અમે કોર્ટમાં અરજી મોકલી દીધી છે. હવે કોર્ટે નિર્ણય કરવાનો છે.