(એજન્સી)                                                                            બૈરૂત, તા. ૫

લેબેનોનની રાજધાની બૈરૂતમાં મંગળવારે થયેલા ભયાનક બ્લાસ્ટમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે જ્યારે ૪,૦૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ ઘાયલ થયેલાઓમાંથી હજુ પણ મોતનો આંકડો વધવાની દહેશત વ્યક્ત કરાઇ છે. સ્વાસ્થ્ય મંત્રી હમાદ હસને જણાવ્યું છે કે, શહેરના હાર્દસમા વિસ્તારમાં થયેલા વિસ્ફોટને કારણે ૪,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે મોટાપાયે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, જે લોકો શહેર છોડવા માગે છે તેઓ જઇ શકે છે કારણ કે, વિસ્ફોટ બાદ ભયાનક કેમિકલ હજુ પણ હવામાં ઉડી રહ્યું છે અને તેની અસર લાંબા ગાળા સુધી રહી શકે છે અને તેના કારણે વધુ મોત નીપજી શકે છે.

લેબેનોનના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ૨૭૫૦ ટન એમોનિયમ નાઇટ્રેટ છેલ્લા છ વર્ષથી કોઇપણ સુરક્ષા માપદંડ વિના વેરહાઉસમાં સાચવીને રખાયું હતું. લેબેનોનના વડાપ્રધાન હસન દિયાબે જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ માટે જે કોઇપણ જવાબદાર છે તેણે તેની કિંમત ચૂકવવી પડશે અને સૂચન કર્યું હતું કે, વિસ્ફોટનું કેન્દ્ર બની રહેલા વેરહાઉસ હજુ પણ ભયાનક સ્થિતિમાં છે. ઉલ્લેખનીય છે કે, લેબેનોન પહેલાથી જ આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યું છે અને અહીં કોરોના વાયરસનો ખતરો પણ મંડાયેલો છે. વિસ્ફોટના કારણો હજુ પણ સત્તાવાળાઓ પાસેથી જાણવા મળ્યા નથી જોકે, સલામતી સૂત્રો અને મીડિયામાંથી મળેલા અહેવાલ મુજબ વેરહાઉસના એક ભાગમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાંથી ચિનગારીએ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બૈરૂતના મેયર જમાલ ઇતજાનીએ જણાવ્યું કે, આ એક યુદ્ધ ક્ષેત્ર જેવું થઇ ગયું છે. ઘટનાસ્થળની મુલાકાત બાદ તેમણે કહ્યું કે, આનાથ કરોડો ડોલરનું નુકસાન થયું છે. લેબેનોનના રેડક્રોસના પ્રમુખ જ્યોર્જ કેટ્ટાનીએ કહ્યું કે, વિસ્ફોટમાં આશરે ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. મોતનો આંકડો હજુ વધવાની દહેશત છે પણ અમે આશા રાખીએ કે આવું ના થાય. વિસ્ફોટ બાદ હજારોની સંખ્યામાં ઘાયલોને સારવાર માટે લઇ જવાતા હોસ્પિટલો ખચોખચ ભરાઇ ગઇ હતી. બ્લાસ્ટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઇ ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટરો અને હેલિકોપ્ટરોને કામે લગાવાયા હતા. સમગ્ર શહેરમાં માત્ર એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓનો જ અવાજ સંભળાતો હતો.