(એજન્સી) મુંબઈ, તા.૨૨
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે હાલમાં જ ઠરાવ્યું હતું કે મૃત પશુઓની ફક્ત ચામડીનો કબજો હોવો એ મહારાષ્ટ્ર એનીમલ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૬ હેઠળ ગુનો બનતો નથી જેમાં ગૌહત્યા, બીફની આયાત, નિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મુકાયેલ છે.
હાઇકોર્ટે નોંધ્યું કે મૃત પશુની ચામડીના કબજા માટે આ કાયદા હેઠળ કોઈ પ્રતિબંધ મુકાયેલ નથી અને જો સરકારે એના માટે કોઈ જાહેરનામું પણ બહાર પાડ્યું હોય તો એ જાહેરનામું પણ રદ્દ થવા પાત્ર છે. કોર્ટે અરજદાર વેનના ડ્રાયવર શફિકુલ્લહ ખાનની અરજીના સંદર્ભે ચુકાદો આપ્યો હતો. ડ્રાયવર પોતાની વેનમાં ગાયની ચામડી લઇ જઈ રહ્યો હતો. અરજદારે એમની સામે કાયદાની કલમો ૫-એ, ૫-બી અને ૫-સી હેઠળ દાખલ થયેલ એફઆઈઆર રદ્દ કરાવવા માંગણી કરી હતી. ફરિયાદ પક્ષનો આક્ષેપ હતો કે જુલાઈ ૨૦૧૮ના વર્ષમાં બજરંગ દળના અધ્યક્ષ હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે એક વેનમાં ગાયની ચામડી લઇ જવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદની ખરાઈ કરતા એમને વેનમાંથી ૧૮૭ ચામડીઓ મળી આવી હતી જે પશુ પાલન વિભાગે ગાયની હોવાની પુષ્ટિ કરી હતી. અરજદાર તરફે હાજર રહેલ વકીલે જણાવ્યું કે ચામડી લઇ જવા માટે એમની પાસે જરૂરી દસ્તાવેજો જેમાં ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ અને મહારાષ્ટ્ર શોપ્સ એસ્ટાબ્લીશ્મેન્ટ તરફથી જારી કરવામાં આવેલ લાયસન્સ, ચામડી વેચાણ અંગેનું બિલ પણ હતું. જેથી આ કાયદાની જોગવાઈઓ મુજબ કોઈ ગુનો બનતો નથી. પોલીસ તરફે હાજર રહેલ સરકારી વકીલે અરજીનો સખત વિરોધ કરતા અરજી રદ્દ કરવા માંગણી કરી હતી. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે જણાવ્યું કે અરજદાર ૧૮૭ ચામડીઓ વેનમાં લઇ જઈ રહ્યો હતો પણ એમની સામે ગાય, બળદને કતલ માટે લઇ જવાના આક્ષેપો નથી. એ માટે આ કાયદા હેઠળ એમણે કોઈ ગુનો આચર્યો હોવાનું કહી શકાય નહીં.