(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૨૦
મેંદરડામાં ગત મોડી રાત્રે પરિણીતનાને બંદુક બતાવી રૂા.૨૫ હજારની રોકડ અને દાગીના મળી કુલ રૂા.૬૦ હજારની લૂંટ ચલાવવાનો બનાવ પોલીસ દફતરે નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડાના મહેબુબાબેન રફીક હોથી (ઉં.વ.૩૬)એ ગુંદાળાવાળો શીવો અને બહાદુર દિલીપ બાબરીયા નામના બે શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગઈકાલે રાત્રે ફરિયાદી મહેબુબાબેન હોથી ઘરે સુતા હતાં. ત્યારે રાત્રે ડોરબેલ વગાડતા, દરવાજો ખોલતાં શીવો અને બહાદુર ઘરમાં ઘુસી ગયા હતા અને રફીક ક્યાં છે. તેવું પુછતાં તેના પતિ બહાર ગયા હોવાનું મહેબુબાબેને જણાવતાં બંને શખ્સોએ તેને બંદુક બતાવી, ઘરમાં ઘુસી, કબાટ ખોલી અને રૂા.૨૫ હજાર રોકડા અને દોઢ તોલાના સોનાના દાગીના મળી કુલ રૂા.૬૦ હજારની મત્તાની લૂંટ ચલાવી હતી.આ અંગે મેંદરડા પોલીસે મહેબુબાબેનની ફરિયાદ ઉપરથી શીવા અને બહાદુર વિરૂદ્ધ ગુનો નોંધી આઈપીસી કલમ ૩૯૨, ૫૦૬, (૨), ૧૧૪ અને આર્મ્સ એક્ટ ૨૧(૧) અને એ.બી. મુજબ ગુનો નોંધી લૂંટારૂઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.