મુંબઈ,તા.૨
બોલીવુડના લોકપ્રિય એક્ટર ઈરફાન ખાનનું બુધવારે નિધન થયું હતું. આ સમાચારે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શોકમાં ગરકાવ કરી દીધી છે. દરેક કલાકાર ઈરફાન ખાનના નિધનથી દુખી છે. આ સાથે જ લોકો આ એક્ટરના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઈરફાન ખાનના નિધનની ખબર પર ભારત સહિત દુનિયાભરમાંથી દુઃખ વ્યક્ત કરતા મેસેજીસ આવ્યા હતા. અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર સહિત કેટલાય સ્ટાર્સે તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીને બહું મોટી ખોટ સાલસે તેવું જણાવ્યું હતું. ઈરફાન ખાનની પત્ની સુતાપા સિકદારે ગુરુવારે પોસ્ટ લખી જેના પર ઘણા રિએક્શન આવી રહ્યા છે.
સુતાપા સિકદારે ઇરફાન ખાનના નિધન પર લખ્યું, મેંને ખોયા નહી હૈ, મેને હર તરહ સે હાસિલ કિયા હૈ… સુતાપા સિકદારની આ પોસ્ટથી તેની આંતરિક શક્તિને જાણી શકાય છે. તેની આ પોસ્ટ પર યુઝર્સ ખુબ રિએક્શન આપી રહ્યા છે. ઈરફાન જ્યારે કેન્સર સામેની લડાઈ લડી રહ્યો હતો ત્યારે સુતાપા સિકદારએ પોસ્ટ લખી હતી જેમાં તેણે ઈરફાન ખાનને ફાઇટર કહ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, મારો બેસ્ટ ફેન્ડ અને મારો પાર્ટનર એક યોદ્ધા છે. તે દરેક મુશ્કેલી સામે અડગતાથી અને સુંદરતાથી લડી રહ્યો છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮માં ઇરફાન ખાનને ખબર પડી કે તે ન્યૂરોઈન્ડોક્રાઇન ટ્યૂમરથી પીડીત હતા. આ બીમારીની સારવાર માટે ઇરફાન ખાન લંડન પણ ગયા હતા અને લગભગ એક વર્ષ પછી સારવાર કરાવીને ભારત પરત ફર્યા હતા. એક્ટર ઈરફાન ખાન સારવારના કારણે ઘણા દિવસો સુધી બોલિવૂડથી દૂર રહ્યો હતો. લંડનથી સ્વસ્થ થઇને ભારત પરત ફર્યા બાદ તેણે બોલિવૂડમાં વાપસી કરીને ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પણ કર્યું હતું. નોંધનીય છે કે ઈરફાન ખાનને વર્સોવા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. લોકડાઉનના કારણે તેમની અંતિમ વિદાયમાં માત્ર ૨૦ લોકો જ જોડાઈ શક્યા હતા.