(એજન્સી) મહારાષ્ટ્ર, તા.પ
મુંબઈના એલ્ફિન્સ્ટન સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાના વિરોધમાં મનસે સુપ્રીમો રાજ ઠાકરેએ મહારેલી યોજી. રાજ ઠાકરેએ સરકારને રેલવેની સ્થિતિ સુધારવા માટે ૧પ દિવસોનું અલ્ટીમેટમ આપી દીધું છે. આ દરમિયાન તેમણે મોદી સરકાર અને રેલવે પર આકરા પ્રહારો કર્યા છે. ઠાકરે જણાવે છે કે, મોદી સરકારે દેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે ર૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન ‘અચ્છે દિન’ લાવવાનો વાયદો કર્યો હતો. તેમના દાવાને કારણે લોકોએ તેમને બહુમત આપ્યો કે, ‘અચ્છે દિન’ આવશે પરંતુ આ તો જુમલેબાજી નીકળી. કોંગ્રેસ સરકારમાં જે પરિસ્થિતિ હતી, બીજેપી રાજમાં પણ તેવી જ પરિસ્થિતિ છે. કોઈ ફેરફાર થયો નથી. અમદાવાદમાં બુલેટ ટ્રેનના શિલારોપણ પર તેમણે કહ્યું કે, જ્યારે પીએમ મોદીએ બુલેટ ટ્રેન વિશે જાહેરાત કરી હતી ત્યારે જ હું તેમનો ઈરાદો સમજી ગયો હતો. મુંબઈથી બુલેટ ટ્રેનમાં અમદાવાદ જઈને લોકો શું ઢોકળા ખાશે ? અમદાવાદ કરતાં સારા ઢોકળાં તો મુંબઈમાં મળે છે. રાજ ઠાકરેએ કટાક્ષ કરતાં કહ્યું કે મેં આજ સુધી પોતાના જીવનમાં આટલું ખોટું બોલનાર વડાપ્રધાન નથી જોયા કે જે પહેલાં બોલે છે કંઈક અને પછી કરે છે કંઈક બીજું જ પીએમ મોદીએ નોટબંધી, મેક ઈન ઈન્ડિયા જેવા પ્રયોગ કરીને દેશને ખાડામાં નાંખી દીધો છે. તેમણે ત્રણ વર્ષ બરબાદ કરી નાંખ્યા.