નિઃશસ્ત્ર મીટ ટ્રાન્સપોર્ટરને ટોળાએ હુમલો કરી ઘાયલ કરી નાખ્યો,

લિન્ચિંગ કરવા આવેલા ટોળાએ પોતાને કથિત ગૌરક્ષક ગણાવ્યા

 

(એજન્સી)                 તા.૩

ગુરૂગ્રામમાં હિન્દુત્વ કટ્ટરવાદી કથિત ગૌરક્ષકોના હુમલાનો સામનો કરનારા લુકમાન ખાને કહ્યું હતું કે તેઓ મારા પર સતત પ્રહાર કરી રહ્યા હતા. હું તેમને કહી રહ્યો હતું કે હું તમારી સમક્ષ ભીખ માગુ છું. આ ખરેખર ગાયનું માંસ નથી. હું તેમને સત્ય જણાવી રહ્યો હતું.

લુકમાન ખાન કહે છે કે તેઓએ મને બળજબરીપૂર્વક જય શ્રી રામની નારેબાજી કરવા મજબૂર કર્યો હતો. આ ઘટના ઈદ-ઉલ-અઝહાના એક દિવસ પહેલા જ બની હતી. લુકમાન ખાન એક પીક અપ વાન લઇને જઈ રહ્યો હતો. તેને ગૌરક્ષકોએ પકડી પાડ્યો હતો. એનડીટીવીના અહેવાલ અનુસાર લુકમાન જે વાહન લઈને જઈ રહ્યો હતો તેમાં ભેંસનું માંસ હતું નહીં કે ગાયનું માંસ. આ માહિતીની પુષ્ટી ગાડીના માલિકે પણ કરી હતી. તેઓ છેલ્લાં ૫૦ વર્ષથી માંસની સપ્લાય કરવાનો ધંધો કરે છે. લુકમાને આ દરમિયાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આશરે ૧૦ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ મને એકાએક ગાડી રોકવા ધમકાવ્યો. મેં જીવને જોખમમાં જોતાં ગાડીની ઝડપ વધારી દીધી. લુકમાન કહે છે કે આ લોકોએ મારી ગાડી સદર બજાર પાસે રોકાવી. તેઓ મારી જોડે આવ્યા અને મને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો. તેઓએ મને એકાએક લોખંડની રોડ વડે મારવાની શરૂઆત કરી. તેઓ મારા પર આક્ષેપ કરી રહ્યા હતા કે હું ગાયના માંસની હેરાફેરી કરૂં છું.