(એજન્સી) તા.૧
ઈસ્લામ અને પયગમ્બરે ઈસ્લામ વિરૂદ્ધ ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો વિરોધ વધતો જાય છે અને ઈરાન અને સઉદી જેવા બે મોટા મુસ્લિમ દેશ એક સૂરમાં ઈસ્લામો ફોબિયાને ફેલાવવાની નિંદા કરી રહ્યા છે. ઈરાન અને સઉદી અરેબિયાને એક બીજાના કટ્ટર હરીફ માનવામાં આવે છે, તેમ છતાં બંને દેશોના નેતાઓએ ફ્રાન્સીસી રાષ્ટ્રપતિના ઈસ્લામ વિરોધી નિવેદનની નિંદા કરી છે. મેક્રોને ઓકટોબરની શરૂઆતમાં પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ના અપમાનજનક કાર્ટૂનના પુનઃ પ્રકાશનનું સમર્થન કરતાં કહ્યું હતું કે ઈસ્લામ માત્ર ફ્રાન્સમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વભરમાં સંકટમાં છે. ગયા અઠવાડિયે પેરિસમાં અપમાનજનક કાર્ટૂનોને ઈન્ટરનેટ પર પોતાના વિદ્યાર્થીઓ સાથે શેર કરનારા એક શિક્ષક સેમ્યુલ પેટીની એક મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા ગરદન કાપીને હત્યા કરાયા પછી, ફ્રાન્સીસી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, પેટીની હત્યા કરી નંખાઈ કારણ કે ઈસ્લામવાદીઓ અમારૂ ભવિષ્ય પોતાના હાથોમાં લેવા માંગે છે. અભિવ્યકિતની સ્વતંત્રતાનો દાવો કરીને તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ હાર નહીં સ્વીકારે અને આ પ્રકારના (અપમાનજનક) કાર્ટૂનોનું પ્રકાશન ચાલુ રહેશે. મંગળવારે ઈરાની વિદેશ મંત્રાલયે તહેરાન સ્થિત ફ્રાન્સીસી રાજદૂતને બોલાવી મેક્રોનની ટિપ્પણી અંગે સખત વાંધો વ્યકત કર્યો. આનાથી એક દિવસ પહેલાં જ ઈરાની વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે ટવીટ કરીને મુસ્લિમો પર અત્યાચાર કરવાના કારણે ફ્રાન્સને વસાહતી શાસન ગણાવી તેની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતાનો દુરૂપયોગ કરીને આ શાસન કટ્ટરવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ૧.૯ અબજ મુસ્લિમોનું અપમાન કરી રહ્યું છે. મંગળવારે જ સઉદી વિદેશ મંત્રાલયે ઈસ્લામને આતંકવાદ સાથે જોડવાના કોઈપણ પ્રયાસોને ફગાવતાં અપમાનજનક કાયદાના પ્રકાશનને અપરાધ તરીકે ગણાવ્યો હતો. સઉદી વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, અમે તિરસ્કાર, હિંસા અને કટ્ટરવાદને ફેલાવવાની સખત નિંદા કરીએ છે; અને લોકો વચ્ચેની સદભાવનાને બગાડવાના પ્રયાસોને નકારી કાઢીએ છે. આની પહેલાં ઘણા મુસ્લિમ દેશોના નેતા ફ્રાન્સીસી રાષ્ટ્રપતિના નિવેદનોની નિંદા કરી ચૂકયા છે અને ઈસ્લામી દેશોમાં ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કાર કરવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને મેક્રોનની માનસિક સ્થિતિ પર પ્રશ્ન ઊભો કરી કહ્યું હતું કે તેમને સારવારની જરૂર છે. તુર્કીના રાષ્ટ્રપતિએ પોતાના દેશના નાગરિકોને ફ્રાન્સીસી ઉત્પાદનોને ખરીદવા નહીં તેવી અપીલ કરી હતી.