માંગરોળ, તા.ર૭
“પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના” હેઠળ, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના ઉપક્રમે માંગરોળ તાલુકાના શાહ ગામે ૭૦ એકર વિશાળ જમીનમાં માત્ર ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પાર્કના નિર્માણ માટે કેન્દ્ર રાજ્ય સરકારે અંદાજે ર૦૦ કરોડ રૂપિયાની સહાય આપી છે. માંગરોળ તાલુકામાં ઊભા કરાયેલા આ પાર્કના બોર્ડ ઓફ ડિરેક્ટરોની વડી કચેરી વડોદરા ખાતે આવેલી છે. આ ફૂડ મેગા પાર્કનું ઉદ્‌ઘાટન તા.ર૯મી ઓક્ટોબર સોમવારે સવારે ૧૦ કલાકે, શ્રીમતી હર સિમરત કૌર બાદલ (કેન્દ્રીય મંત્રી, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર) વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય), સાદવી નિરંજન આયોજિત (કેન્દ્રીદ મંત્રી, રાજ્યકક્ષા, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર) રણછોડભાઈ સી.ફળદુ (કૃષિમંત્રી, ગુજરાત સરકાર) તેમજ અન્ય મંત્રીઓ ગણપતસિંહ વસાવા, જયપ્રથસિંહજી પરમાર, ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ તથા ભારત સરકારના અધિક સચિવ રાકેશ સચવાલ ખાસ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેગા ફૂડ પાર્કથી સ્થાનિક પ્રજાને શું લાભ થશે ? કઈ સુવિધા ઊભી કરવામાં આવનાર છે ? વગેરે પ્રશ્નોથી માંગરોળ તાલુકાની પ્રજા અંજાણ છે. કોઈ લોક સંપર્ક ન હોઈ લોકોને ભેગા કેવી રીતે કરવા તે એક પ્રશ્ન છે.