મેઘરજ, તા.૧૮
અરવલ્લી જિલ્લાના મેઘરજના બાંઠીવાડા ગામે ૧૯ વર્ષની યુવતી પર મુલોજના ઈસમે બળાત્કાર ગુજાર્યાની તથા લોલોડીયા ગામે સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર ઈસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવની વિગત અનુસાર બાંઠીવાડાના મુખી મુવાડા ફળીયાની ૧૯ વર્ષીય યુવતી તા.૧ જાન્યુઆરીના રોજ લાકડા લેવા માટે પોતાના ઘર પાછળ ગઈ હતી તે અરસામાં મોડાસા તાલુકાના મુલોજ ગામનો ઈસમ કાળું અમરત ખાંટ તે યુવતીના ઘરના પાછળ આવ્યો હતો અને યુવતીને પકડીને ઘરની પાછળ આવેલ વાંઘામાં લઈ ગયો હતો અને જ્યાં દુષ્કર્મની કોશિશ કરતા યુવતીએ બૂમાબૂમ કરતાં યુવકે યુવતીનું મોઢું દબાવી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી આ ઈસમ બે વાર યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું તે અરસામાં યુવતીના કુટુંબીજનો આવી જતાં આ યુવક અને યુવતીને યુવતીના કુટુંંબીજનોએ અર્ધનગ્ન હાલતમાં ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સમાધાન માટે પ્રયાસ કરતાં સમાધાનની શરતો મુજબ બળાત્કારી યુવક ન વર્તતા યુવતીએ ગુરૂવારના રોજ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પીએસઆઈએ કાળુ અમરત ખાંટ રહે. મુલોજ, તા.મોડાસા વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધી બળાત્કારના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજા બનાવની વિગત અનુસાર લોલોડીયા ગામમાં પોતાના મામાના ત્યાં નાનપણથી રહેતી એક સગીરા ૧૪ જાન્યુઆરીના રોજ મામાના ઘરેથી પશુઓ ચરાવવા ખેતરમાં ગયેલ હતી તે અરસામાં માલપુર તાલુકાના નવાગામનો અરવિંદ રામા ડામોર તે સગીરા પાસે આવ્યો હતો અને સગીરાનો હાથ પકડી સગીરા સાથે શારીરિક અડપલા કરી જબરદસ્તીથી બાજુમાં આવેલ એરંડાના ખેતરમાં દુષ્કર્મના ઈરાદે લઈ જતો હતો તે અરસામાં સગીરાએ બૂમબૂમ કરતાં સગીરાના મામા આવી જતાં અરવિંદ ડામોર ત્યાંથી જતો રહ્યો હતો અને જતા જતા સગીરાને આ વખત તો તુ બચી ગઈ છે અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો જતો રહ્યો હતો અને આ દુષ્કર્મના પ્રયાસ અંગે સગીરાએ પોતાના મામા સાથે મળી ગુરૂવારના રોજ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પીએસઆઈએ અરવિંદ રામા બારીયા રહે. નવાગામ, તા.માલપુર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તાલુકામાંથી કેટલીએ છોકરીઓના અપહરણ થયા છે તેમાંની ૧ર છોકરીઓના અપહરણકારોનો અને છોકરીઓની પોલીસ કોઈ ભાળ મેળવી શકી નથી અને તેમાંના બે એક કેસની બે છોકરીઓના કેસોમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો પણ આપી કહ્યુંછે કે, આ ગંભીર બાબત છે જિલ્લા પોલીસ વડાએ તેના તમામ સોર્સ કામે લગાડી અપહરણકારો અને છોકરીઓને પકડીને લાવી કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યાને આજે ૪પ દિવસ ઉપરાંત વિતી ગયા છતાંં આ પોલીસ પકડી ન શકતા છોકરીઓના પિતાએ આ આદેશ આધારે તેમના વકીલ એમ.એમ.તિરમીઝીને ફરિયાદ કરતાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માગણી કરતી રિટ ફાઈલ કરી છે.