(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૯
મેઘરજ તાલુકાના બેલ્યો ગામના બે શખ્શોએ મહીસાગર જીલ્લાના રૂજડા ગામે રહેતા કૌટુંબિક કાકાને ઉઘરાણીના બહાને લાવી દારૂ પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી મૃતકની લાશને ઠેકાણે પાડવા બાઈક પર લઈ માલપુર,મોડાસા અને અન્ય માર્ગો પરથી પસાર થઈ ભિલોડાના જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક લાશને અકસ્માતમાં ખપાવવા ફેંકી દીધી હતી બિનવારસી મળેલી લાશના ગુન્હાનો ભેદ ભિલોડા પોલીસે ૧૩ દિવસના સમયગાળામાં પીએમ રિપોર્ટના આધારે ઉકેલી દઈ હત્યા કરનાર બે શખ્શો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
૧૫ ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના રૂજડા ગામે રહેતા જ્યંતિ વણઝારાને પૈસાની ઉઘરાણી કરવા જવાનું હોવાનું મેઘરજના બેલ્યો ગામે રહેતા કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા નામના શખ્શો ઘરેથી બાઈક પર લઈ જઈ જંગલ વિસ્તારમાં પહોંચી જયંતિ વણઝારાને દારૂ પીવડાવી અગમ્ય કારણોસર ગળું,દબાવી મોતને ઘાટ ઉતારી દઈ રાત્રે બાઈક પર ગોઠવી દઈ માલપુર,મોડાસા વાયા જીવણપૂર થઈ ફરીથી અંદરના રસ્તે જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક લાશને અકસ્માતમાં ખપાવવા ફેંકી દઈ પોતાને ઘરે પહોંચી ગયા હતા ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી બાબુ સરતાનભાઈ વણઝારા (રહે, રૂજડા, જી.મહીસાગર) ની ફરિયાદના આધારે હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા વિરુદ્ધ ગુન્હો નોંધી બંને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.