(સંવાદદાતા દ્વારા) મેઘરજ, તા.ર૦
મેઘરજની યુવાન છોકરીઓના અપહરણ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના પગલે નવ માસ થવા છતાં પણ છોકરીઓની કોઈ ભાળ નહીં મળતાં ફરિયાદી પક્ષના વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ સ્ટેટ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકાર રાજ્યભરની દીકરીઓ સુરક્ષિત સલામત મોભાનું જીવન જીવે તે માટે મહિલા દિન મહિલા સશક્તિકરણ બેટી બચાવો, બેટી પઢાઓના મોટા-મોટા હોડિંગો લગાવી જોરશોરથી અઢળક નાણાં ખર્ચી અભિયાન ચલાવી રહી છે ત્યારે રાજ્યના છેવાડાના રાજસ્થાનની સરહદને અડીને આવેલા મેઘરજ નગરની એક પછી એક ૪ છોકરીઓના અપહરણ થયા છે. જેની તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાંંથી ર અલગ અલગ છોકરીઓની જાણવા જોગ અને ૧ કેસની ર છોકરીઓની એફઆઈઆર નોંધવામાં આવેલી હતી. જેમાં જાણવાજોગ નોંધવામાંં આવેલી એક છોકરીના પિતાએ ફરિયાદ નોંધાવા માટે અને એક કેસની નોંધાયેલી એફઆઈઆરની બે છોકરીઓના ફરિયાદીએ અપહરણકારોને પકડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ધારાશાસ્ત્રી મારફતે બે અલગ અલગ રીટ ફાઈલ કરી હતી. તેવી આ અલગ અલગ રીટના ચુકાદા આવ્યા જેમાં મેઘરજ પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી. તેમાં ફરિયાદ દાખલ કરવાનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો તે આદેશના પગલે મેઘરજ પોલીસે હરકતમાં આવી પોલીસ ફરિયાદ નોંધી હતી જયારે બે છોકરીઓવાળા બીજા એક કેસમાં કોર્ટે આરોપીઓને પકડવાના ચુકાદામાં જણાવ્યું કે, મેઘરજ પોલીસ પાસેથી કેસની તપાસ લઈ જિલ્લા પોલીસવડાને સોપી જણાવ્યું કે, આ એક ગંભીર કેસ છે. જિલ્લા પોલીસ વડા તેમની તમામ તાકાત કામે લગાવીને આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવો હુકમ કર્યો હતો. આમ, આ બંને કેસમાં મેઘરજ પોલીસ અને જિલ્લા પોલીસ બંને કેસોના આરોપીઓને આજદિન સુધી પકડી શકી નથી અને પકડવામાં સદંતર નિષ્ફળ રહેતા એક કેસની ર છોકરીઓના પિતાએ તેમના ધારાશાસ્ત્રીને સમગ્ર બીના જણાવતા ફરિયાદીના ધારાશાસ્ત્રીએ એક કેસની બે છોકરીઓના પોલીસ ફરિયાદના કેસમાં ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધારદાર દલિલો કરી સીબીઆઈ તપાસની માંગ કરતી રીટ ફાઈલ કરેલી તે રીટના સંદર્ભે હાઈકોર્ટ સંંબંધિત વિભાગ સહિત જિલ્લા પોલીસ વડાને નોટિસ પાઠવી આ કેસની તપાસનો રિપોર્ટ રજૂ કરવા કોર્ટે નિયત સમયમાં રજૂ કરવા જણાવ્યું અને નિયત સમયમાં રજૂ પણ કરેલ છે. તેના ઉપર ફરિયાદી ધારાશાસ્ત્રીએ સીબીઆઈને કેસ સોંપવા માટે ધારદાર દલીલો કરી હતી.દરમ્યાન યુસુફભાઈ ખેરાડાએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિઅલ ક્રિમિનલ એપ્લિકેશન ૧૦૦૨૫/૨૦૧૭ દાખલ કરેલ અને કોર્ટનું ધ્યાન દોરતા કહ્યું કે જો અપહરણ કરેલ બંને છોકરીઓ કોઈ અન્ય જાતિની હોત અને મુસ્લિમ આરોપીઓ ઉપાડી ગયા હોત તો આજ પોલીસે સક્રિયપણે શોધખોળ કરી હોત અને પાતાળમાંથીએ છોકરીઓને શોધી કાઢતા. વળી ૨ અઠવાડિયા પહેલા જ બાતમીને આધારે અરજદારે પોલીસને જાણ કરેલી કે આરોપી ખોવાયેલી છોકરી સાથે આવેલ છે પરંતુ પોલીસે સ્થળ ઉપર પહોંચવામાં વિલંબ કરેલ અને બંને ત્યાંથી નાસી છૂટેલ તેમજ આજ સુધી પોલીસે આવી વ્યક્તિની મોબાઈલ કોલ ડીટેલ પણ લીધી નથી.આ સમગ્ર હકીકત ધ્યાને લેતા હાઈકોર્ટનાં ન્યાયાધીશ જે. બી. પારડીવાલાએ તપાસ “સ્ટેટ સી. આઈ.ડી.ને સોંપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ર મુખ્ય અપહરણકારો પરણીત છે. જેમાં એકને એક સંતાન અને બીજાને ર સંતાનનો પિતા છે. તેવા આરોપીઓએ મોડાસામાં વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ આ એક કેસની બે દીકરીઓના અપહરણકારો અપહરણ કરીને લઈ ગયાને આજે નવ માસ ઉપરનો સમય વીતી ગયો છે. આ છોકરીઓની કોઈ ભાળ પોલીસ હજુ સુધી મેળવી શકી નથી. આ છોકરીઓ આજે આ દુનિયામાં હયાત હશે કે, કેમ ? તે એક મોટો પ્રશ્ન મેઘરજની જનતામાં ચર્ચાઈ રહ્યો છે.