જોડિયામાં સાડા પંદર ઈંચ, ટંકારામાં સાડા ચૌદ, કડીમાં સવા ચૌદ, મોરબીમાં ૧૪ અને ઉમરપાડામાં ૧૩ ઈંચથી વધુ તૂટી પડ્યો • સોમવારે દિવસ દરમિયાન અબડાસા, ગોંડલ અને ભાણવડમાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જામજોધપુરમાં સાડા પાંચ અને લખપતમાં પ ઈંચ પડ્યો

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાજ્યના લગભગ તમામ તાલુકાઓને મેઘરાજાએ ભીંજવી દીધા છે પરંતુ ક્યાંક રાહતરૂપ વરસાદ પડ્યો છે તો ક્યાંક આ વરસાદ આફતરૂપ બની રહ્યો  છે. રાજ્યના પાંચ તાલુકા એવા છે જ્યાં ૩૬ કલાકથી સતત વરસાદ વરસતા ૧૩થી ૧પ ઈંચથી વધુ વરસાદ વરસતા ચોમેર પાણી જ પાણી ભરાતા તાલુકા બેટમાં ફેરવાઈ ગયા છે. આ પાંચ તાલુકાઓમાં જામનગરના જોડિયામાં સાડા પંદર ઈંચ, મોરબીના ટંકારામાં સાડા ચૌદ ઈંચ, મહેસાણાના કડીમાં ૧૪ ઈંચથી વધુ, મોરબીમાં ૧૪ ઈંચ જેટલો અને સુરતના ઉમરપાડામાં ૧૩ ઈંચથી વધુ નોંધાયો છે. આજે સોમવારે દિવસ દરમિયાન સવારના ૬થી સાંજના ૬ સુધીના વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો અબડાસા, ગોંડલ અને ભાણવડમાં ૭ ઈંચથી વધુ, જામજોધપુરમાં સાડા પાંચ ઈંચ જેટલો, લખપતમાં પ ઈંચ, જ્યારે સાંતલપુર, ધોરાજી, વડિઆ, સમી, જામકંડોરણા અને માંડવી (કચ્છ)માં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા, મોરબી, લીલિઆ, રાધનપુર, જેતપુરમાં સાડા ત્રણથી ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજ્યના કલ્યાણપુર, રાપર, દસાડા, સિદ્ધપુર, ઉપલેટા, થાનગઢ, ભૂજ, દ્વારકા, મૂળી અને ઉમરપાડા મળી દસ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ર૦ તાલુકામાં રથી ૩ ઈંચ જેટલો, ૪૮ તાલુકામાં ૧થી ર ઈંચ જેટલો, જ્યારે ર૦ તાલુકામાં ૧ ઈંચ જેટલો, ૩ર તાલુકામાં અડધાથી ૧ ઈંચ જેટલો જ્યારે અન્યત્ર હળવા ઝાપટાંથી અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે ૬ વાગ્યાની સ્થિતિએ ૨૪ કલાકમાં ગુજરાતના ૨૫૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મોરબીમાં ૧૦ ઈંચ વરસાદ પડતા મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. સૌથી વધુ લોધિકામાં ૫ ઈંચ, ઉપલેટામાં ૪ ઈંચ, ગોંડલમાં ૪ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ગીર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે જેથી ખેતરમાં ઊભા પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરી વળ્યાં હતા. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે પાછલા દાયકામાં પહેલીવાર રાજ્યમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી ૮ ટકા વરસાદ તો છેલ્લી ૨૪ કલાકમાં પડ્યો છે.