(એજન્સી) ગુવાહાટી, તા.૨૨
આસામના ૬ પ્રવાસી મજૂરો મેઘાલયના પૂર્વમાં સ્થિત જૈન્તિયા હિલ્સમાં આવેલ ૧૫૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા. આ જ જિલ્લામાં ડિસેમ્બર ૨૦૧૮માં ખાણમાં ગેરકાયદેસર ખોદકામ કરતી વખતે અકસ્માત થતાં ૧૫ મજૂરો ગુમ થયા હતા. સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા જે પ્રવાસી મજૂરોનાં મૃતદેહો ખાઈમાંથી મળી આવ્યા હતા, તેઓ ગેરકાયદેસર ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા. જો કે, સરકારના સૂત્રોએ કહ્યું કે, એમને અહીંયા કોઈપણ સક્રિય ખાણ મળી ન હતી, અકસ્માત સ્થળે કોલસાનો જથ્થો પણ મળ્યો ન હતો એથી અમે અનુમાન નહીં કરી શકીએ કે, તેઓ છોડી દેવાયેલ ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા. પણ ત્યાં જમીનને કાપવાની કામગીરી થઈ રહી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મેઘાલયમાં કોલસાના ખનન કાર્ય પર પ્રતિબંધ મૂકેલ છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ગેરકાયદેસર ખનન કાર્ય સરકારની નજર હેઠળ જ થઈ રહ્યું છે. ૨૦૧૪ના વર્ષમાં એનજીટીએ પ્રતિબંધ મૂક્યો હોવા છતાંય કોઈ અસર થઈ નથી.