(એજન્સી) શીલાંગ, તા.૩
મેઘાલયમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે જીતીને આવ્યા બાદ રાજ્યમાં સરકાર રચવા માટે બીજા પક્ષો સાથે ચર્ચા-વિચારણા કરવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહમદ પટેલ અને કમલનાથ સાંજે શીલોંગ પહોંચી ગયા છે. જેઓ વિદાય લેતા મુખ્યમંત્રી મુકુલ સંગમા સાથે પણ ચર્ચા કરશે. તેઓ રાજ્યમાં સરકાર રચવાના પ્રયાસો માટે વિવિધ પક્ષો સાથે ચર્ચા વિચારણા કરશે. હાલમાં કોંગ્રેસ પક્ષ મેઘાલયમાં સત્તા પર હતો. પરિણામો બાદ કોંગ્રેસ મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. મણિપુર અને ગોવામાં સરકાર રચવામાં નિષ્ફળતા મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મેઘાલયમાં સરકાર રચવા મોટાપાયે કસરત હાથ ધરી છે. મેઘાલયમાં ૬૦માંથી પ૯ બેઠકોની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે. હાલમાં દેશમાં પંજાબ, કર્ણાટક, મિઝોરમ અને પુડ્ડુચેરીમાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસ શાસનમાં છે.