મુંબઇ, તા.૨૮
કોવિડ-૧૯ની મહામારી હજી જવાનું નામ નથી લેતી ત્યાં કેટલાક દેશો અગાઉ નિર્ધારિત કરેલી સિરીઝને જૂન અથવા જુલાઈમાં અમલમાં મૂકવા ઉતાવળા થઈ રહ્યા છે. ઇંગ્લેન્ડનું બોર્ડ પાકિસ્તાન તથા વેસ્ટ ઇન્ડીઝની ટીમને આમંત્રણ આપવા આતુર છે. સાઉથ આફ્રિકા થોડા અઠવાડિયામાં ભારતીય ટીમને બોલાવવા ઉત્સુક છે. આ દેશો બાયો સેક્યોરના વાતાવરણમાં (આરોગ્ય તથા શારીરિક સલામતીને લગતા નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખીને) આ મેચો રાખવા માગે છે. જોકે, મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડે એક સેમીનારમાં કહ્યું છે કે ’વર્તમાન સ્થિતિમાં ક્રિકેટ સિરીઝ રાખવી અવાસ્તવિક કહેવાશે. હું તો કહું છું કે કોઈ ટેસ્ટ પહેલાં તમામ પ્લેયરોનો બરાબર ટેસ્ટ લેવામાં આવશે અને તેમને મેચ પહેલાં કવોરન્ટાઈન પણ કરવામાં આવશે અને ફરી તેમનો ટેસ્ટ કરાશે, પરંતુ ટેસ્ટ મેચ શરૂ થાય બાદ બીજા જ દિવસે કોઈ ખેલાડીનો કોરોના વાયરસને લગતો પોઝિટિવ રિપોર્ટ આવશે તો ? એ સ્થિતિમાં વર્તમાન નિયમ મુજબ આરોગ્ય વિભાગના અધિકારીઓ આવશે અને બધા ખેલાડીઓને કવોરન્ટાઈન કરી નાખશે. આવું થશે તો મેચનો અકાળે અંત જ આવી જશેને ?’