દક્ષિણ મુંબઈમાં કોલાબા અને SEEPZ વચ્ચે મેટ્રો -૩ લાઈન પર પ્રસ્તાવિત કાર શેડનું નિર્માણ આરે કોલોનીમાં પહેલાં થવાનું હતું, જો કે પછીથી  રાજ્ય સરકારે તેને કંજુરમાર્ગમાં ખસેડવાની જાહેરાત કરી હતી

(એજન્સી) તા.૨૧
મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પ્રસ્તાવિત મેટ્રો કાર શેડને અહીં આરે કોલોનીમાં સ્થળાંતરિત કરવા અપીલ કરી હતી. દક્ષિણ મુંબઈમાં કોલાબા અને એસઈઈપીઝેડ વચ્ચે મેટ્રો-૩ લાઈન પર પ્રસ્તાવિત કાર શેડનું નિર્માણ આરે કોલોનીમાં પહેલાં થવાનું હતું. જો કે, પછીથી રાજ્ય સરકારે તેને કંજુરમાર્ગમાં ખસેડવાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું હતું કે, કેટલાક અધિકારીઓ મેટ્રો-૩ લાઈન પર સૂચિત કાર શેડ પ્રોજેક્ટ પર સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આનાથી કામ પૂર્ણ થતાં વિલંબ થશે અને ખર્ચમાં વધારો થશે.
ફડણવીસે કહ્યું કે, જો કાર શેડ કંજૂરમાર્ગ ખાતે સ્થળાંતરિત કરવામાં આવશે, તો તેનાથી વધુ વૃક્ષો કાપવાની જરૂર પડશે. જેના લીધે પ્રોજેક્ટ મોડો પડશે અને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવશે. ભાજપના નેતાએ કહ્યું કે, આ પણ જૂઠ છે કે આરે કાર શેડ માટેની જમીન ફક્ત ૨૦૩૧ સુધી જ મળી છે. તેમણે કહ્યું, આરે ખાતે કાર શેડ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે રચાયેલી તકનિકી સમિતિએ શરૂઆતમાં ૨૫ હેક્ટર જમીનનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. બાકીના ૧.૪ હેક્ટરનો ઉપયોગ પછીથી કરી શકાશે. જમીનના તે નાના ટુકડામાં ૧૬૦ વૃક્ષો છે જેમને ૨૦૫૩ સુધીમાં બીજે ખસેડવામાં આવશે.