(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.રર
વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં.૧૧રમાં દારૂની મહેફિલ માણતા સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલનો અભ્યાસ કરતા ૭ વિદ્યાર્થીઓ અને પ વિદ્યાર્થિનીઓને ઝડપી પાડયા હતા. પોલીસે વ્હાઈટ વોકર ઈંગ્લીશ દારૂની ખાલી બોટલ-ર, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ ઈંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, બ્લેક ડોગ ત્રિપલ હોલ્ડ ઈંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, ટીચર્સ હાઈલેન્ડ ક્રીમ ઈંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, વેટ ૬૯ ઈંગ્લિશ દારૂની ખાલી બોટલ-૧, પાણીની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, ૧૦ મોબાઈલ તેમજ જૈનમ મહેતાની કાર અને અંશુલ ગુપ્તાની કાર મળીને કુલ રૂપિયા ૯,પપ,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં.૧૧રમાં રહેતા ભાડેથી રહેતા ડો. કીર્તન જગદીશભાઈ પટેલ અને જૈનમ વિપુલભાઈ મહેતાએ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. દારૂની ચાલતી મહેફીલની જાણ કોઈ અજાણ્યા વ્યકિતએ પોલીસ કન્ટ્રોલમાં કરી હતી. જેને આધારે વાઘોડિયા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને નશામાં ચૂર હાલતમાં ઝડપી પાડયા હતા.