અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી કોરોના ભરડામાં ૬ માનવ જિંદગીના દિપ બૂઝાઈ ગયા છે ત્યારે કોરોના સામેના જંગના લડવૈયા એવા મેડિકલ કર્મચારીઓ તથા કોરોનામાંથી સ્વસ્થ્ય થયેલા લોકો સાથે પાડોશીઓ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ તેમને મકાન ખાલી કરવા દબાણ પણ કરવામાં આવે છે. ત્યારે રાજ્યના ડીજીપીએ કડક આદેશ કરતા જણાવ્યું છે કે, મેડિકલ કર્મીઓ અને કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો સાથે પાડોશીઓનું અયોગ્ય વર્તન ચલાવી લેવાશે નહીં, જો જરૂર પડશે તો તેમને પોલીસ બંદોબસ્ત પણ અપાશે આવા નાગરિકો પોલીસને જાણ કરી મદદ મેળવી શકશે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના આ કપરા કાળમાં પ્રધાનમંત્રીના ‘ઘરે રહો, સલામત રહો, સુરક્ષિત રહો’ના મંત્રને ચરિતાર્થ કરવા માટે પોલીસતંત્ર દ્વારા અસરકારક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઝાએ પોલીસકર્મીઓને સંવેદનશીલ રહીને ફરજ બજાવવા સૂચના આપી હતી સાથો-સાથ નાગરિકોએ પણ એટલા જ સંવેદનશીલ બનવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, વરદીની આડમાં કોઈ પ્રકારની ગેરવર્તણૂક રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં. ઉપરાંત ડીજીપીએ ઉમેર્યું કે, નિયત ભાવ કરતાં વધારે ભાવ લેનારા વેપારીઓ સામે તેમજ મજૂરો અને કામદારોને નોકરી છોડી જવા માટે ફરજ પાડનારાં ઉદ્યોગગૃહો સામે પણ પોલીસતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. રાજ્યભરમાં આવતીકાલ તા.૧લી એપ્રિલથી સસ્તા અનાજની દુકાનો પર શરૂ કરવામાં આવનાર અનાજ વિતરણની વ્યવસ્થા સૂચારૂરૂપે ચાલી શકે એ માટે આવી તમામ દુકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તદ્‌ઉપરાંત, જરૂર જણાશે, તો મોબાઇલ વાન દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.