ભાવનગર, તા.ર૬
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલ એક શૉ-રૂમના મેનેજમેન્ટ એજન્ટનું અપહરણ કરી ચાર શખ્સોએ રૂા.પ૦ લાખ રોકડા તથા પ૦ લાખના સોનાના દાગીના કુલ મળી રૂા.૧ કરોડની ખંડણી લીધી હતી. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને રોકડા રૂા.૧પ લાખ, આઈ-ર૦ કાર, બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ખંડણીમાં વસૂલાયેલ મોટી રકમ અને દાગીના નાસતા-ફરતા ચોથા આરોપી પાસે હોવાનું આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિકારી સૈયદે પત્રકારોને માહિતી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૯/૧/ર૦ર૦ના રોજ સાંજના સુમારે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલ તનિષ્ક સોનાના શૉ-રૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશભાઈ ચનુલાલ જોધવાણી (રહે.ભાંગલીગેટની બાજુમાં, હિલડ્રાઈવ, ભાવનગર) નામના વેપારીનું તેમના રહેણાકના મકાન પાસેથી ચાર શખ્સોએ અપહરણ કરી રોકડા રૂા.પ૦ લાખ તથા પ૦ લાખના સોનાના દાગીના મળી રૂા.૧ કરોડની ખંડણી લીધેલ જે તે સમયે ભોગ બનનાર વેપારીએ ભય અને બીકના કારણે ફરિયાદ નોંધાવી ન હતી. ત્યારબાદ ભાવનગર શહેરના નિલમબાગ પો. સ્ટે.માં ગત તા.ર૪/ર/ર૦ર૦ના રોજ ફરિયાદ નોંધાતા પોલીસે અ બનાવની તપાસ હાથ ધરી હતી.
આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગરના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા એ.એમ.સૈયદ તથા ભાવનગરના સિટી ડીવાયએસપી મનીસ ઠાકરની સૂચનાથી સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવેલ જેમાં સિટી ડીવાયએસપી ઠાકર, એલસીબી પી.આઈ. નિલમબાગ પોલીસ, એસઓજી તથા સ્થાનિક પોલીસના ચુનંદા પોલીસ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી અને બાતમીદારો તથા ટેકનિકલ મદદથી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (૧) રોહિત માસા કોતર (રહે.કુંભારવાડા, ગોકુળનગર), (ર) યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા, (૩) શક્તિસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા બંને સગા ભાઈઓ છે (રહે.સરકારી હોસ્પિટલ પાસે, મફતનગર, ભાવનગર) ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી કલ્પેશ નાથા કોતર (રહે.સીદસર, ભાવનગર) તથા એક અજાણ્યા ઈસમની સંડોવણી જણાય આવેલ છે જે પૈકીના આરોપીઓ પાસેથી રોકડા રૂા.૧ર લાખ ૧૦ હજાર, આઈ-ર૦ કાર કિં.રૂા.૬ લાખ, ક્રિયેટા કાર કિં.રૂા.૧૦ લાખ, એપલ મોબાઈલ નંગ-ર કિં.રૂા.૧,૮૦,૦૦૦ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજો લીધો હતો. હજુ આ ગુનામાં અન્ય બે આરોપીઓ નાસતા ફરે છે જે પૈકીના એક આરોપી પાસે ખંડણીમાં વસૂલાયેલ મોટી રકમ અને સોનાના દાગીનાનો મુદ્દામાલ તેના કબજામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.