અમદાવાદ, તા.૧૪
અમદાવાદ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે શહેરના નાગરિકોને જાગૃત કરવા માટે જુદા જુદા વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા રાઉન્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ નારણપુરા વોર્ડમાં પગપાળા રેલી કાઢી સ્થાનિક રહીશોને સ્વચ્છતા રાખવા સમજાવવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા રાઉન્ડમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મહેસૂલમંત્રી કૌશિક પટેલે ઉપસ્થિત રહી સ્વચ્છતા રેલીને લીલીઝંડી આપી હતી તેમજ તેઓની સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા ફિલ્મ કલાકારો મનોજ જોષી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકાર મયુર વાકાણી (સુંદર), રાકેશ પુજારા તેમજ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અરવિંદ વેગડા ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ, મ્યુનિ.કાઉન્સિલરો, અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સર્વપ્રથમ સોલા એએમટીએસ બસ સ્ટેન્ડ, નારણપુરા, અમદાવાદ. પાસે સર્વે એકઠા થઈ ‘આપણો સ્વચ્છ નારણપુરા વોર્ડ’ના નારા હેઠળ સ્વચ્છતા માટે સંકલ્પ લીધા હતા. મેયર ગૌતમ શાહ દ્વારા સ્વચ્છતાના પુજારીઓનું સન્માન કરી સ્વચ્છતાના અભિગમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.